તમને માનવામાં આવે છે કે મુંબઈમાં ૨૬૪ જ ખાડા છે?

23 June, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીનો આ દાવો છે. જોકે હમણાં કોરોનાના કામમાં વ્યસ્ત અધિકારીઓએ ખાડાઓના આંકડાની નોંધ ન લીધી હોય એવી શક્યતા

ફાઈલ તસવીર

મુંબઈમાં ૨૬૪ ખાડા હોવાનું દર્શાવતી બીએમસીની પોટહોલ રિપોર્ટિંગ સિસ્ટમના દાવાને નાગરિકો સ્વીકારવા તૈયાર નથી. બીએમસીના ક્રેટ ટ્રૅકિંગ પ્લૅટફૉર્મના જણાવ્યા મુજબ ૧૫૦ ખાડાનું રિપેરિંગ થઈ ચૂક્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આંકડા નોંધવામાં આવ્યા નથી.

નાગરિકોએ જણાવ્યું કે બીએમસીના સત્તાવાર ટ્વિટર-અકાઉન્ટને ખરાબ માર્ગો અને ખાડાની ફરિયાદો મળતી રહે છે ત્યારે સિસ્ટમ એ ફરિયાદો નોંધતી નથી. હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં જ ઘાટકોપર-માનખુર્દ રોડ, અંધેરી, ચેમ્બુર અને સાંતાક્રુઝ-ઈસ્ટના માર્ગો પર ખાડા પડી ગયા છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર કોવિડના કેસ અને રસીકરણના કાર્યક્રમની વ્યસ્તતાને કારણે પાલિકાના અધિકારીઓને અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાનો ભાગ્યે જ સમય મળ્યો છે. આંકડાઓ ન નોંધાયા હોવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ સિસ્ટમ પર ખાડાના ફોટો અપલોડ કરતા નથી.

એક ટ્વિટર-યુઝરે ગોવંડીમાં ખાડા હોવાનો દાવો કર્યો હતો, તો અન્ય યુઝરે કામાઠીપુરામાં માર્ગોની બિસમાર હાલતની ફરિયાદ કરી હતી. બીએમસીએ આ મુદ્દે કાર્યવાહી કરવાનું જણાવતો ઉત્તર આપ્યો હતો.

બીએમસીના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ‘અમે સિસ્ટમ પર ખાડાની નોંધ કરીએ છીએ. જ્યારે પણ ભારે અને અવિરત વરસાદ પડે ત્યારે આંકડાઓ વધી જાય છે, પણ હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે કાં તો વૉર્ડ-સ્ટાફ દ્વારા અથવા તો માર્ગ વિભાગના અધિકારીઓ દ્વારા ખાડાઓને તાત્કાલિક રિપેર કરવામાં આવશે.’

mumbai mumbai news mumbai monsoon mumbai rains brihanmumbai municipal corporation