મુલુંડના ફેમસ ગાયનેકૉલૉજિસ્ટના ઘરે ૧૧ લાખ રૂપિયાની ચોરી

05 January, 2021 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડના ફેમસ ગાયનેકૉલૉજિસ્ટના ઘરે ૧૧ લાખ રૂપિયાની ચોરી

પ્રતીકાત્મક તસવીર

મુલુંડના ફેમસ ગાયનેકૉલૉજિસ્ટના ઘરમાંથી ગયા અઠવાડિયે ઘરેણા સહિત ૧૧ લાખ રૂપિયાની માલમતાની જે ચોરી થઈ હતી એમાં મુલુંડ પોલીસે તેમના ઘરમાં કામ કરતી ૬૦ વર્ષની સિનિયર સિટિઝનની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ૧૦ લાખની રોકડ રિકવર કરી છે.

મુલુંડ વેસ્ટમાં દેવીદયાલ રોડ પર અંજલિ મેટરનિટી હોમના ડૉકટર અંજલિ ટીલુ જેઓ મુલુંડ લિન્ક રોડ પરની વૃંદાવન સોસાયટીમાં રહે છે. તેઓ ૨૭ ડિસેમ્બરના ફૅમિલી પ્રોગ્રામમાં આખો દિવસ બહાર ગયાં હતાં. ૩૧ ડિસેમ્બરના રોજ મેટરનિટી હોમના જમા થયેલા પૈસા જે ઘરે હતા તે તેઓ બૅન્કમાં ભરવા જઈ રહ્યાં હતાં ત્યારે તેઓને રાખેલા પૈસા ન મળતાં થોડી શોધખોળ કર્યા બાદ બીજા દિવસે મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મુલુંડ પોલીસ સ્ટેશનના અધિકારી ચેતન બાગુલે કહ્યું હતું કે ડૉક્ટરના ઘરમાં સીસીટીવી કૅમેરા બેસાડ્યા છે જેનો અમને ફાયદો થયો હતો. એની મદદથી આ ચોરી કોણે કરી એ અમે પકડી શક્યા હતા. સીસીટીવીમાં ઘરમાં કામ કરવા આવતી ૬૦ વર્ષની અનિતા ઠુકરાલ અમને દેખાઈ હોવાથી તેની પૂછપરછ કરતાં પોતે ચોરી કરી હોવાનું તેણે કબૂલ્યું હતું. તેઓ ડૉક્ટર અંજલિને ઘરમાં પૈસા અને દાગીના મૂકતાં જોઈ ગયાં હતાં અને ખોટી લાલચ થતાં તેમણે આ ચોરી કરી હોવાનું અમને કહ્યું હતું. તેની પાસેથી ૧૦ લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા છે. તે ભાંડુપની રહેવાસી છે.

આ બાબતે ડૉક્ટર અંજલિ ટીલુનો સંપર્ક કરતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

આ સંબંધી ‘મિડ-ડે’એ ડૉક્ટર અંજલિ સાથે સંપર્ક કર્યો હતો પણ તેઓએ કોઈ પ્રકારનો પ્રતિસાદ આપ્યો નહોતો.

mumbai mumbai news mulund Crime News mumbai crime news