ઘાટકોપરના દુકાનદારો કહે છે, પોલીસ પૅટ્રોલિંગ નથી કરતી એટલે તાળાં તૂટે છે

19 October, 2011 08:57 PM IST  | 

ઘાટકોપરના દુકાનદારો કહે છે, પોલીસ પૅટ્રોલિંગ નથી કરતી એટલે તાળાં તૂટે છે



દુકાનોદારોએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમને હંમેશાં, વિશેષ રૂપે તહેવારોના સમયે પોલીસ તરફથી એવું આશ્વાસન મળે છે કે રાતના અમારું પૅટ્રોલિંગ થતું જ હોય છે; તમે ચિંતા ન કરો. આમ છતાં ૧૦ ઑક્ટોબરના સોમવારે વહેલી સવારે ૫થી ૬ વાગ્યાની વચ્ચે આર. બી. મહેતા માર્ગ (૬૦ ફીટ રોડ)ની દુકાનોનાં તાળાં તૂટ્યાં અને દુકાનોમાંથી કપડાં અને રોકડ રકમની ચોરી થઈ. સોમવારે ૬૦ ફીટ રોડ પર કોઈએ દુકાનનાં તાળાં તૂટ્યાં એ પહેલાં કે ત્યાર પછી પણ આ રસ્તા પર પોલીસની વૅન ફરતી જોઈ નથી.’

આ ચોરીના બનાવમાં સૌથી મોટી ચોરી મુરારબાગ બિલ્ડિંગમાં આવેલી કૂલવસ્ત્ર રેડીમેડ શૉપમાં થઈ છે. આ દુકાનમાંથી ૨,૨૫,૦૦૦થી ૨,૫૦,૦૦૦ની માલમતા ગઈ છે, જ્યારે એ જ બિલ્ડિંગમાં બે દુકાન છોડીને આવેલી એક્સ નામની રેડીમેડ કપડાંની શૉપમાંથી ૨૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમની કાઉન્ટરમાંથી ચોરી થઈ હતી. ૩ વર્ષ પહેલાં આ દુકાનનું ઉદ્ઘાટન થયું ત્યારે ૮૫,૦૦૦ રૂપિયા આ જ રીતે તાળાં તોડીને અજાણ્યા માણસો લઈ ગયા હતા.

પંતનગર પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી પી. પી. વાયરાએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘આ બન્ને દુકાન સિવાય આ જ રોડ પર આવેલી ઓએસિસ નામની કેકની દુકાનમાંથી પણ નજીવી રોકડ રકમ અને કેક અને ચૉકલેટના કાઉન્ટરની ચોરી થઈ છે જેની અંદાજિત કિંમત ૪૦૦૦ રૂપિયાથી ૮૦૦૦ રૂપિયાની હોઈ શકે, પરંતુ આ દુકાનમાં સીસીટીવી કૅમેરા હોવાથી એનાં ફુટેજ અમને આ ચોરીની ઘટનાની તપાસ કરવામાં મદદગાર બનશે.’

વધુ દુકાનોમાં ચોરી


ઓડિયન, ૬૦ ફીટ રોડ અને પંતનગરના વિસ્તારમાં ૮થી ૧૦ દુકાનોનાં તાળાં તૂટ્યાં છે, પણ બધી દુકાનોમાંથી વધારે તો માલની જ ચોરી થઈ હોવાથી દુકાનદારો પોલીસની ઝંઝટમાં તહેવારના સમયે પડવા ન માગતા હોવાથી પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફક્ત બે જ દુકાનદારોની ફરિયાદ નોંધાઈ છે.