બે કલાકમાં છ દુકાનોનાં તાળાં તૂટ્યાં, પણ માત્ર રોકડ ચોરાઈ

07 December, 2012 06:51 AM IST  | 

બે કલાકમાં છ દુકાનોનાં તાળાં તૂટ્યાં, પણ માત્ર રોકડ ચોરાઈ



ચોરોનો તરખાટ: ચોરો ત્રાટક્યા હતા એ બોરીવલી (વેસ્ટ)ની છ દુકાનોમાંથી એક પાશ્વર્ જ્વેલરીનું તૂટેલું શટર. તસવીર : શિરીષ વક્તાણિયા

બોરીવલી (વેસ્ટ)ના ટીપીએસ રોડ પર આવેલા કેન્ટ ટાવર નામના બિલ્ડિંગની છ દુકાનનાં તાળાં ગઈ કાલે વહેલી સવારે એકસાથે તૂટ્યાં હતાં. નવાઈની વાત એ છે કે ચોરોએ દુકાનોમાં રહેલા કીમતી સામાનને બદલે કૅશ-કાઉન્ટરને તોડવામાં વધુ રસ બતાવ્યો હતો. કુલ ૮૫,૦૦૦ રૂપિયાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાયું છે. એક દુકાનમાં તો ચોરોએ પિગી બૅન્કને પણ તોડીને એમાં રહેલા રૂપિયા લઈ લીધા હતા. બોરીવલી પોલીસે આ સંદર્ભે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસને એક દુકાનમાંથી ત્રણ યુવકોના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળ્યાં છે જે કદાચ આ કેસનો ઉકેલવામાં મદદરૂપ થાય એમ છે.

જે દુકાનોમાં ચોરી થઈ એમાં જ્વેલરી શૉપ, બુટિક શૉપ અને

ડ્રેસ-મટીરિયલ વેચતી દુકાન હતી. વૉચમૅન ન હોવાને કારણે ચોરોને સફળતા મળી હોવાનું પોલીસે કહ્યું હતું. બોરીવલી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રવીણ મોરેએ કહ્યું હતું કે ‘અમને ગઈ કાલે વહેલી સવારે છ વાગ્યે દુકાનોમાં ચોરી થઈ હોવાનો ફોન આવ્યો હતો. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને આ બિલ્ડિંગની છ દુકાનનાં તાળાં તૂટેલાં મળી આવ્યાં હતાં. ચોરોએ દુકાનનું તાળું તોડી દુકાનના કૅશ-કાઉન્ટર તોડી નાખ્યાં હતાં અને એમાં રાખેલા લગભગ ૮૫,૦૦૦ રૂપિયા ચોરીને નાસી ગયા હતા. હાલમાં અમે અમુક દુકાનોમાં લગાવેલા સીસીટીવી કૅમેરાની મદદથી ચોરોની તપાસ કરી રહ્યા છીએ અને જલ્ાદી જ તેમને શોધી કાઢીશું.’

દુકાન નંબર ૧ : પાશ્ર્વ જ્વેલરી

પાશ્ર્વ જ્વેલરીના માલિક સંજય શાહે કહ્યું હતું કે ‘૧૦ દિવસ પહેલાં જ મેં આ દુકાનનું ઓપનિંગ કર્યું હોવાથી દુકાનમાંં વધુ રૂપિયા નહોતા. ફક્ત ૮૦૦ રૂપિયાની ચોરી થઈ છે.’

દુકાન નંબર ૨ : ધ બુટિક કે. કે.

આ દુકાનનાં માલિક બીના ગાલાએ કહ્યું હતું કે ‘મારા બુટિકના કૅશ-કાઉન્ટરમાં રાખેલા ૨૫,૦૦૦ રૂપિયાની ચોરી થઈ છે, પણ ચોરોએ દુકાનમાં રાખેલા લાખો રૂપિયાનાં લગ્નપ્રસંગે પહેરવામાં આવતાં વસ્ત્રોને હાથ પણ લગાવ્યો નહોતો. જો તેઓ ગ્રાહકોનાં વસ્ત્રો ચોરી ગયા હોત તો મારા માટે ઘણી મુસીબત થઈ ગઈ હોત.’

દુકાન નંબર ૩ : અવનિ કલેક્શન

અવનિ કલેક્શનના માલિક જિગર શાહે કહ્યું હતું કે ‘મારી ડ્રેસ-મટીરિયલની દુકાન છે. ચોરોએ મારી દુકાનમાંથી એક પણ ડ્રેસ-પીસની ચોરી કરી નહોતી, પણ કૅશ-કાઉન્ટર તોડીને એમાં રાખેલા ૨૦,૦૦૦ રૂપિયા ચોરીને નાસી ગયા હતા.’

દુકાન નંબર ૪ : ટીઆર ટેક્નૉલૉજી

ટીઆર ટેક્નૉલૉજી નામની દુકાન ધરાવતા જય સુદાણીએ કહ્યું હતું કે ‘મારા કૅશ-કાઉન્ટરમાંથી ૩૮,૦૦૦ રોકડા રૂપિયા ચોરી થઈ છે, જેમાં પિગી બૅન્કમાં રાખેલી કૅશનો પણ સમાવેશ છે.’

દુકાન નંબર ૫ : કપિલ્સ ઍકૅડેમી સૅલોં

કપિલ્સ ઍકૅડેમી સલૂનના મૅનેજર પ્રમોદ શિંદેએ કહ્યું હતું કે ‘અમારા સૅલોંમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે, પણ સૅલોં બંધ કર્યા બાદ અમે કૅમેરા બંધ કરી દઈએ છીએ. જોકે બુધવારે અમારા સૅલોંમાં ત્રણ યુવકો આવ્યા હતા અને તેમણે કઈ વસ્તુ કયાં રાખી છે એ વિશે અમારી પાસે પૂછપરછ કરી હતી. જોકે અમે તેને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને તેમને નોટબુકમાં એન્ટ્રી કરવા કહ્યું હતું, પણ તેઓ એન્ટ્રી કર્યા વગર જ ચાલી ગયા હતા. આ યુવકોએ ચોરી કરી હોવાની અમને શંકા છે એટલે પોલીસને અમે આ યુવકોનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ આપી દીધાં છે.’

દુકાન નંબર ૬ : હોમ ડેકોરેટિવ લાઇટિંગ શૉપ

હૉમ ડેકોરેટિવ લાઇટિંગ શૉપના કર્મચારી તેજસ શાહે કહ્યું હતું કે ‘હાલમાં જ અમે અમારી દુકાનમાં સીસીટીવી કૅમેરા લગાવ્યા છે, પણ હજી સુધી એનું કનેક્શન ચાલુ કર્યું નહોતું. અમારી દુકાનમાંથી એક પણ રૂપિયાની ચોરી થઈ નથી. કદાચ ચોરોને લેટ થતું હોવાથી તેઓ ચોરી કર્યા વગર જ નાસી ગયા હોઈ શકે, પણ તેમણે દુકાનનું આખું શટર તોડી નાખ્યું હતું.’

દુકાનદારોની આજે મીટિંગ

ફક્ત બે કલાકમાં એક જ સોસાયટીની છ દુકાનનાં તાળાં તૂટ્યાં હોવાથી આ દુકાનોના માલિકો આજે બિલ્ડિંગના મેમ્બરો સાથે સિક્યૉરિટી સંદર્ભે મીટિંગ કરવાના છે. બધી દુકાનના માલિકોનું કહેવું છે કે ‘આ ઘટના અમારા વિસ્તારમાં પહેલી વાર થઈ છે. આ ચોરોએ ચોરી કરતાં પહેલાં અમારી દુકાનો વિશેની ઘણી જાણકારી મેળવી રાખી હતી. હવે અમે વૉચમૅનની વ્યવસ્થા જલ્દી કરીશું.’

ટીપીએસ : ટાઉન પ્લાનિંગ સ્કીમ, સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન