પતિને વેન્ટિલેટર લગાવાતાં આઘાતમાં સરી પડેલી પત્નીએ કર્યો આપઘાત

29 July, 2021 09:39 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કોવિડની વધુ એક કરુણ કહાની. વસઈની યુવતી સાજી થઈને ઘરે આવી ગઈ, પણ પતિ હવે નહીં બચે એવી ધારણા બાંધીને તેણે કર્યું સુસાઇડ

સ્મિતા ડિસિલ્વા.

વસઈની એક મહિલા પતિ અને ત્યાર બાદ સાસુ કોવિડ સંક્રમિત થતાં હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરાતાં અને પતિની હાલત ગંભીર થતાં ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ ડિપ્રેશનમાં તેણે પોતાનો જીવ આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ-નોટ મળી આવી હતી. પોલીસે ઍક્સિડન્ટલ ડેથનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 
વસઈમાં મદીનાકા ગામમાં રહેતી ૩૮ વર્ષની સ્મિતા ડિસિલ્વા અને તેના ૩૯ વર્ષના પતિ વિવેક ડિસિલ્વા ૧૭ જુલાઈએ કોરોના સંક્રમિત થયાં હતાં. તેમને સારવાર માટે વસઈની કાર્ડિનલ ગ્રેસિયસ હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યાર બાદ સ્મિતાની સાસુ કોરોના સંક્રમિત થઈ હતી. તેની સાસુને પણ હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સ્મિતાને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી અને તે ઘરમાં હોમ-આઇસોલેશનમાં હતી, પરંતુ તેના પતિ વિવેકની હાલત એકદમ ગંભીર થઈ ગઈ હતી. આ દરમિયાન જ ડિપ્રેશનમાં આવી ગયેલી સ્મિતાએ મંગળવારે સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતાં એક સુસાઇડ-નોટ મળી આવી હતી. એમાં તેણે પોતાના પતિને સંબોધીને લખ્યું હતું કે ‘હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમારી વગર જીવવાનું પણ વિચારી શકતી નથી. તમને કંઈ થઈ જશે તો તમારા વગર હું રહી નહીં શકું. મારા વિવેકને સફેદ કલરના કુરતામાં મોકલજો.’
વસઈ ગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અબ્દુલ હક દેસાઈએ જણાવ્યું હતું કે ‘૨૦૦૯માં સ્મિતા અને વિવેકનાં લગ્ન થયાં હતાં. તેમને બાળક નથી. વિવેક વસઈમાં જ ઇલેક્ટ્રૉનિક સામાનની દુકાન ધરાવે છે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સ્મિતા ઘરમાં એકલી હતી, પરંતુ પતિની હાલતથી અને સાસુ પણ હૉસ્પિટલમાં દાખલ થતાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. એથી બેડરૂમના ફૅન પર લટકીને તેણે જીવ આપ્યો હતો. પોલીસને એક સુસાઇડ-નોટ પણ મળી છે જેમાં તેણે પોતાના પતિ માટે પ્રેમ દાખવીને લખ્યું હતું અને સાસુની આ પગલું ભરવા બદલ માફી માગી હતી તેમ જ તેની વસ્તુઓ તેના સંબંધીને આપી દેવા પણ લખ્યું છે. સ્મિતાના કાકા હૉસ્પિટલમાં તબિયત વિશે પૂછવા ગયા ત્યારે સ્મિતાને રજા મળી હોવાની જાણ થઈ હતી. એથી સ્મિતાને હિંમત આપવા તેઓ ઘરે ગયા હતા, પરંતુ દરવાજો ખખડાવ્યા છતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હોવાથી તેઓ દરવાજો તોડીને અંદર જતાં સ્મિતાએ અંતિમ પગલું ભર્યું હોવાનું દેખાયું હતું. અમે ઘટનાસ્થળે પહોંચી ડેડ-બૉડીને તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી છે. સુસાઇડ-નોટને ફૉરેન્સિક ઍનૅલિસિસ માટે મોકલવામાં આવી છે. તેના પતિને વેન્ટિલેટર પર મૂક્યો ત્યારે તે હિંમત હારી ગઈ હતી અને આ પગલું ભર્યું હતું.’
સ્મિતાના સસરા પણ કોરોના પૉઝિટિવ હોવાથી તેમને વસઈના એક આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. સ્મિતાને ૨૪ જુલાઈએ લક્ષણો ઓછાં થતાં ડિસ્ચાર્જ અપાયો હતો, પરંતુ તેને હોમ-આઇસોલેશનમાં રહેવાનું કહેવાયું હતું. ૨૭ જુલાઈએ હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા પતિની તબિયત ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યાર બાદ તે આઘાતમાં આવી ગઈ હતી. સ્મિતાનો પતિ હજી વેન્ટિલેટર પર છે.`

Mumbai mumbai news preeti khuman-thakur