૧૭ વર્ષની છોકરીને ક્ષણાર્ધમાં બચાવી લેનારા ગુમનામ હીરોનું થશે સન્માન

24 December, 2018 10:02 PM IST  | 

૧૭ વર્ષની છોકરીને ક્ષણાર્ધમાં બચાવી લેનારા ગુમનામ હીરોનું થશે સન્માન

ઈસ્તખાર અહેમદ

ઑક્ટોબર મહિનામાં ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી ૧૭ વર્ષની છોકરી પૂજા ભોસલેને સમયસૂચકતા વાપરીને બચાવી લેવાઈ હતી એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો. જોકે આ યુવતીને બચાવનારા ગુમનામ હીરો વિશે કોઈની પાસે માહિતી નહોતી. મુંબઈની લોકલ ટ્રેનની ઍપ એમ-ઇન્ડિકેટર આ ઉતારુનું સન્માન કરવા ઇચ્છતું હતું, પણ તેના વિશે કોઈ માહિતી મળતી નહોતી.

રેલવે-પોલીસ કે અન્ય કોઈ સરકારી એજન્સી પાસે આ યુવાન વિશેની કોઈ માહિતી ન મળી એટલે એમ-ઇન્ડિકેટરે પોતાની રીતે તપાસ આદરી હતી અને બે મહિનાની શોધખોળ અને ૬૦૦ કૉલ્સ કર્યા બાદ ગોવંડીમાં એક ફર્નિચરની દુકાનમાં કામ કરતા ઇસ્તખાર અહમદને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

બનાવના દિવસે જે થયું એને યાદ કરતાં ઇસ્તખારે કહ્યું હતું કે ‘ક્ષણાર્ધમાં મારો હાથ પડી રહેલી યુવતીને બચાવવા માટે પહોંચી ગયો હતો. આ બધું એટલું ઝડપથી બન્યું હતું કે એની કલ્પના પણ કરી ન શકાય, પરંતુ મને ફક્ત એ વાતનો આનંદ છે કે તે યુવતી જીવતી છે.’

એમ-ઇન્ડિકેટરના સ્થાપક સચિન ટેકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારે આ હીરોનું સન્માન કરવું હતું, પરંતુ તેની કોઈ જ માહિતી કોઈની પાસે નહોતી. મુંબઈ શહેરમાં એક વ્યક્તિને શોધવાનું સહેલું નહોતું. અમે અમારા પ્રયાસ કર્યા હતા. સોમવારે અવૉર્ડ ફંક્શન હતું અને ગુરુવાર સુધી અમારી પાસે મેઇન હીરો જ નહોતો, પરંતુ શુક્રવારે અચાનક અમારી મહેનત સફળ થઈ અને આ વ્યક્તિનો નંબર લાગી ગયો હતો. અમારી ટીમે પછી ગોવંડીમાં આવેલી ફર્નિચરની દુકાનમાં જઈને ચોકસાઈ કરી હતી કે આ જ તે વ્યક્તિ છે. હવે અન્ય ૩૩ રેલ હીરોની સાથે ઇસ્તેખારનું પણ સન્માન કરવામાં આવશે.’

mumbai local train mumbai railways