અંતિમ કસોટી તો વિધાનસભામાં જ

25 June, 2022 10:41 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

આ વિષય પર વધુ સ્પષ્ટતા મેળવવા ‘મિડ-ડે’ના વિનોદ કુમાર મેનને ભૂતપૂર્વ પ્રોફેસર અને મુંબઈ યુનિવર્સિટીના એચઓડી-લૉ ઍડ્વોકેટ ડૉ. સુરેશ માને સાથે વાત કરી હતી

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે.

શાસક શિવસેનામાં પ્રવર્તતી અભૂતપૂર્વ કટોકટી મહારાષ્ટ્રમાંથી મહાવિકાસ આઘાડી સરકારને સંભવિત રૂપે હટાવી શકે એવી શક્યતા છે. આ વિષય પર વધુ સ્પષ્ટતા મેળવવા ‘મિડ-ડે’ના વિનોદ કુમાર મેનને ભૂતપૂર્વ પ્રોફેસર અને મુંબઈ યુનિવર્સિટીના એચઓડી-લૉ ઍડ્વોકેટ ડૉ. સુરેશ માને સાથે વાત કરી હતી, જેઓ સામાજિક-રાજકીય વિશ્લેષક અને બંધારણીય કાયદા પરનાં ઘણાં પુસ્તકોના લેખક પણ છે.

એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથને કેટલાક અપક્ષ વિધાનસભ્યો ઉપરાંત સેનાના બે તૃતીયાંશથી વધુ વિધાનસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. આ બળવાખોરો સાચા શિવસૈનિક અને બાળાસાહેબ ઠાકરેના સાચા અનુયાયી હોવાનો દાવો કરે છે. હાલના સંજોગોમાં તેમની હિન્દુત્વની વિચારધારાને ધ્યાનમાં રાખતાં શિવસેનાના ચીફના આદેશનું ઉલ્લંઘન તેમને પક્ષના હોદ્દેદાર તરીકે ગેરલાયક ઠરાવી શકે છે એમ માનેએ કહ્યું હતું. 
વિધાનસભ્યોના જૂથના નેતાની નિમણૂક પક્ષપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. વિધાનસભ્યો પોતે વિધાનસભામાં તેમના જૂથના નેતાને પસંદ કે નાપસંદ કરી શકતા નથી, બળવાની ઘટના બાદ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને શિવસેનામાંથી તેમ જ વિધાનસભાના જૂથનેતાના પદ પરથી હટાવી દીધા છે અને તેમના સ્થાને અજય ચૌધરીની નિમણૂક કરી છે, જે રાજ્ય વિધાનસભામાં સ્પીકરની જગ્યા ખાલી હોવાથી તેમના અનુગામી ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલ દ્વારા સ્વીકારવામાં આવી છે.
બહુમતી સાબિત કરવા માટે વિધાનસભામાં બળાબળનાં પારખાં એ જ અંતિમ કસોટી છે, એમ જણાવતાં ડૉ. માનેએ ઉમેર્યું હતું કે એ પહેલાં શિંદે અને તેના બળવાખોર જૂથે સેનાની બહાર એક અલગ જૂથ તરીકે ડેપ્યુટી સ્પીકર પાસેથી માન્યતા મેળવવી આવશ્યક છે, જેથી પાર્ટીના આદેશ અથવા આદેશથી છટકી શકાય એમ તેમણે કહ્યું હતું.
સામાન્ય રીતે ધારાસભ્ય પક્ષ રાજકીય પક્ષ કરતાં અલગ છે. રાજકીય પક્ષમાં પક્ષના તમામ સભ્યો, એના કાર્યકરો અને ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે વિધાનસભ્ય પક્ષમાં માત્ર મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે એથી રાજ્ય પર નિયંત્રણ મેળવવા માગતા બળવાખોર જૂથે આ મુદ્દે અંતિમ સત્તા ભારતના ચૂંટણીપંચ સમક્ષ લડાઈ લડવી પડશે.
વિધાનસભાને લગતા તમામ નિર્ણય સંદર્ભે સ્પીકર-ડેપ્યુટી સ્પીકર અંતિમ સત્તા હોવાથી ડૉ. માનેએ જણાવ્યું કે જો કોઈ ડેપ્યુટી સ્પીકરના વર્તમાન નિર્ણયથી અસંતુષ્ટ હોય તો તેણે અધિકારક્ષેત્રની અદાલત બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ એને પડકારવો પડશે. આ પ્રક્રિયા સમય માગી લે એવી છે. આવા સંજોગોમાં ગુપ્ત મતદાન દ્વારા વિધાનસભાના અધ્યક્ષની વહેલી ચૂંટણી એકમાત્ર ઉપાય છે. 
જ્યાં સુધી પક્ષ વિધાનસભા અથવા ગૃહમાં બહુમતી ગુમાવશે નહીં ત્યાં સુધી કોઈ સરકાર પડી શકશે નહીં અને એથી કોઈ પણ શાસક સરકારનું ભાવિ નક્કી કરવા માટે ફ્લોર ટેસ્ટ ફરજિયાત અને નિર્ણાયક છે એમ જણાવતાં માનેએ કહ્યું હતું કે રસપ્રદ વાત એ છે કે બીજેપી અલગ પ્રકારની રણનીતિનો ઉપયોગ કરવા માટે જાણીતું છે. એ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને આવકવેરા (આઇટી) જેવી કેન્દ્રીય એજન્સીના દુરુપયોગ માટે પણ જાણીતું છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, ત્રિપુરા, કર્ણાટક જેવાં રાજ્યોમાં અને હવે મહારાષ્ટ્રમાં સમાન યુક્તિઓના સાક્ષી છીએ. જોકે બીજેપીનો આ પ્રયાસ રાજસ્થાનમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો છે એ જોતાં સમય જ મહારાષ્ટ્ર સરકારનું ભાવિ નક્કી કરશે. 
હાલના કિસ્સામાં ડૉ. માનેએ કહ્યું કે ડેપ્યુટી સ્પીકર (સ્પીકરની ગેરહાજરીમાં) અને મહારાષ્ટ્રના રાજ્યપાલની ભૂમિકા નિર્ણાયક છે, પરંતુ મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ બન્નેને કોરોના થયો છે, જે બળવાખોર જૂથનું કાર્ય મુશ્કેલ બનાવે છે. આ કિસ્સામાં હાલમાં ગોવાના રાજ્યપાલ પાસે રહેલું મહારાષ્ટ્રના રાજ્યપાલનું કાર્યાલય આ કાર્ય માટે કામચલાઉ રાજ્યપાલની નિમણૂક કરી શકે છે.

Mumbai mumbai news vinod kumar menon