ઘોંઘાટ કરતી બાઇક્સનાં સાઇલેન્સર જ કાઢી નાખવાનું શરૂ કર્યું ટ્રાફિક પોલીસે

20 June, 2021 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે પોલીસની આ ઝુંબેશમાં અત્યાર સુધી ૧૯૦ મોટરસાઇકલ સામે પગલાં લેવાયાં. કાર પર બ્લૅક ટિન્ટેડ શીટ્સ લગાવનાર સામે પણ ઍક્શન

ઘોંઘાટ કરતી બાઇક્સનાં સાઇલેન્સર કાઢી રહેલી ટ્રાફિક પોલીસ. ટ્રાફિકના નિયમો મુજબ આવાં સાઇલેન્ર્સરને મંજૂરી નથી.

મોટરસાઇકલમાં સુધારિત સાઇલેન્સર્સને કારણે થતા ધ્વનિપ્રદૂષણને ડામવાના પ્રયાસરૂપે થાણે પોલીસે આવાં સુધારિત સાઇલેન્સર્સ દૂર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં આવાં સુધારિત સાઇલેન્સર્સ ધરાવતી ૧૯૦ મોટરસાઇકલ સામે પગલાં લેવામાં આવ્યાં છે તથા એમાંની ૧૨૧ મોટરસાઇકલ્સમાંથી એ દૂર કરાયાં છે. 
આ ઝુંબેશ સાથે જોડાયેલા થાણે ટ્રાફિકના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ઘોંઘાટ કરતી મોટરસાઇકલ્સ માટે રહેવાસીઓ પાસેથી અમને અનેક ફરિયાદ મળી છે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ મોટે ભાગે કૉલેજ અને બગીચા જેવા સાઇલન્ટ ઝોનમાં જ ફરતા હોય છે. ટ્રાફિકના નિયમો મુજબ આવાં સાઇલેન્સર્સની મંજૂરી નથી. આથી એક મોટરસાઇકલને પકડીને કોઈ પણ પ્રશ્ન કર્યા વિના એમાંથી સાઇલેન્સર્સ દૂર કરી દેવામાં આવ્યું હતું.’ 
થાણે કમિશનરેટમાં ૧૬ જૂનથી ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત પાલન ન કરનારાઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં કારના કાચ પર કાળા રંગની ટિન્ટેડ શીટ્સ લગાવનારાઓ સામે પણ પગલાં લેવામાં આવ્યાં હતાં. પોલીસે આવાં ૪૮૪ વાહનો વિરુદ્ધ પગલાં લઈને ૪૦૮ બ્લૅક ફિલ્મ દૂર કરી હતી. 
થાણે ટ્રાફિકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘અમારા આ પ્રયાસોની વરિષ્ઠ નાગરિકો અને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમણે અમારો આભાર પણ માન્યો હતો. અમે સુધારિત સાઇલેન્સર દૂર કરવાનું ચાલુ રાખીશું. સુધારિત સાઇલેન્સર્સને કલ્યાણના દુર્ગાડી ચોકમાં રાખવામાં આવ્યાં છે. લોકોએ સુધારિત સાઇલેન્સર્સ વાપરવાનું તેમ જ કારના કાચ પર ટિન્ટેડ શીટ્સનો ઉપયોગ કરવાનું બંધ કરીને પર્યાવરણને બચાવવું જોઈએ.’

Mumbai mumbai news