એપીએમસીના વેપારીઓ પણ એક પ્રકારે કોરોના યોદ્ધાઓ જ

18 September, 2020 11:39 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

એપીએમસીના વેપારીઓ પણ એક પ્રકારે કોરોના યોદ્ધાઓ જ

એપીએમસી માર્કેટ (ફાઇલ ફોટો)

આખા મહારાષ્ટ્ર અને વિશેષ કરીને મુંબઈ માટે નવી મુંબઈની એપીએમસી માર્કેટ જીવન આવશ્યક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડતી મંડી છે. કોરોના મહામારીને કારણે માર્ચ મહિનાથી લૉકડાઉન જાહેર કરાયું હોવા છતાં જીવન આવશ્યક વસ્તુઓ નાગરિકોને મળી રહે એટલે અહીંના મોટી સંખ્યામાં વેપારીઓ, કર્મચારીઓ એટલું જ નહીં તેમના પરિવારજનો સુધ્ધાં કોરોનાની ચપેટમાં આવ્યા હોવા છતાં માલના પુરવઠાનો વ્યવહાર બંધ થવા દીધો નથી. એથી એપીએમસી માર્કેટના વેપારીઓ પણ ખરા અર્થે કોરોના વૉરિયર્સ કહેવાય.
ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના (ગ્રોમા) સેક્રેટરી ભીમજીભાઈ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ અનાજના હોલસેલ અને રીટેલ વેપારીઓએ જનતાની સેવામાં કમર કસી દીધી છે. અનાજની અછત ઊભી ન થાય અને સર્વે સુધી અનાજ પહોંચે એ અર્થે વેપારીઓ, કર્મચારીઓએ મળીને આવી કઠિન પરિસ્થિતિમાં પણ ખૂબ કામ કર્યું છે. અમારા વેપારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવાર મળીને અંદાજે ૩૫૦થી વધુ કોરોનાગ્રસ્ત થયા હતા અને ૬થી ૭ જણે જીવ સુધ્ધાં ગુમાવ્યા હતા.’
મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ-મુંબઈના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં લોકો ઘરે હોવાથી શાકભાજીની ડિમાન્ડ પણ વધી ગઈ છે. શરૂઆતમાં શાકભાજી ટ્રાન્સપોર્ટ કરવામાં પણ મુશ્કેલીઓ થતી હતી છતાં લોકોની માગણીને પૂરી પાડવા માટે વેપારીઓએ ભારે જહેમત લીધી હતી.’ ફ્રૂટ ઍન્ડ વેજિટેબલ મર્ચન્ટ્સ અસોસિએશનના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાને કારણે લોકો સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવા લાગ્યા અને ફળો ખાવા પર જોર આપવા લાગ્યા હોવાથી ફળોની પણ ડિમાન્ડ છે. જોકે ફળોની સપ્લાય કરવી લૉકડાઉનની શરૂઆતમાં ખૂબ મુશ્કેલ હતી. છતાં ચિંતાના વાતાવરણમાં પણ કામ ચાલુ રાખ્યું હતું.’
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)ના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બર, દીપ બૉમ્બે મૂડીબજાર કિરાણા મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘લૉકડાઉનના ખરા યોદ્ધાઓ એપીએમસીના વેપારીઓ પણ છે. શરૂઆતમાં માર્કેટના વેપારીઓ મોટી સંખ્યામાં ચપેટમાં આવી જતાં માર્કેટ અમુક દિવસ બંધ કરાતાં લોકોને હેરાનગતિ વેઠવી પડી હોવાનું ધ્યાનમાં રાખીને વેપારીઓ અને તેમના પરિવારજનો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે છતાં સેવા અડીખમ રહીને ચાલી જ રહી છે.’ કાંદા-બટાટા સંઘના ડિરેક્ટર અશોક વાળુંજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનાજ, શાકભાજી અને ફળોની જેમ કાંદા-બટાટાની પણ માગણી એટલી જ છે. આમ જોવા જઈએ તો કાંદા-બટાટાની માગણી હંમેશાં જ હોય છે. લૉકડાઉનમાં અમે વેપારીઓ જહેમત કરીને પણ માલ સપ્લાય કરાવતા હતા.’

હાલમાં કેટલી સપ્લાય?
લૉકડાઉન પહેલાં એપીએમસીની પાંચ માર્કેટમાંથી દરરોજ ઍવરેજ સાડાત્રણ હજાર એમ મહિનાની એક લાખની આસપાસ ટ્રકો ભરીને માલ જતો હતો. જોકે લૉકડાઉનની પરિસ્થિતિ હોવાથી હાલમાં દરરોજ ઍવરેજ ૧૯૦૦ની આસપાસ એટલે મહિને ૫૦ હજાર ટ્રકો જઈ રહી છે. 

દેશ-વિદેશથી ડિમાન્ડ
એપીએમસી માર્કેટમાં ફક્ત દેશમાંથી નહીં પણ વિદેશમાંથી પણ માલ સપ્લાયની ખૂબ ડિમાન્ડ થઈ હતી. મિડલ ઈસ્ટ, યુકે, ઑસ્ટ્રેલિયા, અમેરિકા વગેરેમાં વિમાન માર્ગે માલ સપ્લાય કરાઈ છે. લૉકડાઉનના સંજોગોમાં સ્થાનિક માલ સપ્લાય કરવો પણ મુશ્કેલીભર્યો હોવા છતાં વિદેશમાં પણ માલ મોકલવામાં આવે છે એ ગર્વ કરવા જેવી વાત છે. દરરોજ અંદાજે ૫૦થી ૧૦૦ જેટલા કાર્ગો જતા હોય છે.

preeti khuman-thakur mumbai mumbai news apmc market