ચાલતી બસમાં ચડવાનું ભારે પડ્યું થાણેના આ ટીનેજરને

06 December, 2014 04:54 AM IST  | 

ચાલતી બસમાં ચડવાનું ભારે પડ્યું થાણેના આ ટીનેજરને

આવી જ ઘટના મુલુંડ (વેસ્ટ)ની નવભારત હાઈ સ્કૂલમાં ભણતા ૧૫ વર્ષના ધ્રુવ ઠક્કર સાથે ગઈ કાલે બપોરે બની હતી, જેને પરિણામે ધ્રુવને પગમાં ગંભીર ઈજા થતાં તે અત્યારે મુલુંડની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

દસમા ધોરણમાં ભણતો અને થાણેમાં રહેતો ધ્રુવ સ્કૂલમાંથી છૂટીને ગઈ કાલે બપોરે એક વાગ્યે તેના મિત્રો સાથે ગપ્પાં મારતો નજીકની જ્ઞાન સરિતા સ્કૂલ પાસે બસની રાહ જોતો ઊભો હતો. બસ આવીને નીકળી ત્યાં સુધી ધ્રુવ તેના મિત્રો સાથેની વાતમાં મશગૂલ હતો. જેવી બસ નીકળી કે ધ્રુવે ચાલુ બસ પકડવા માટે દોટ મૂકી હતી. બસ પકડતી વખતે તેણે બૅલૅન્સ ગુમાવી દીધું હતું. જેથી એનો ડાબો પગ બસના પાછળના ટાયર હેઠળ આવી ગયો હતો. આ વાતની તેની સ્કૂલના ટીચરોને ખબર પડતાં તેઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓ ધ્રુવને તરત જ મુલુંડની મુખી રાજ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉકટરે તેના પગની સર્જરી કરી હતી.

આ માહિતી આપતાં મુલુંડ પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નસીબજોગે ધ્રુવ બચી ગયો છે અને અમે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના બસ-ડ્રાઈવરની ધરપકડ કરી છે. તેના પર અમે રૅશ ડ્રાઇવિંગ અને બેદરકારીપૂર્વક બસ ચલાવવાનો કેસ દાખલ કર્યો છે.’