બોર્ડની એક્ઝામ માટે વિદ્યાર્થીઓના સમર્પણને સલામ

24 February, 2026 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈએ પપ્પાના અગ્નિદાહના ગણતરીના કલાકોમાં બોર્ડની એક્ઝામ આપી તો કોઈએ મમ્મીની અંતિમ ઇચ્છા પૂરી કરવા પરીક્ષા આપી, એક સ્ટુડન્ટે હૉસ્પિટલમાંથી પેપર આપ્યું

શિવાની દેવકટટે, સુખરામ ભુસારી, શ્રેયા દેશમુખ

આખું વર્ષ બોર્ડની એક્ઝામ માટે તૈયારી કરવા છતાં પરીક્ષાના દિવસે જ કેવા પડકાર આવી જાય એનો અંદાજ લગાવી શકાતો નથી. જોકે અમુક વિદ્યાર્થીઓ ગમે એવી મુશ્કેલી પાર કરીને પણ એક્ઝામ આપે છે. લાતુર જિલ્લામાં ૧૭ વર્ષની એક સ્ટુડન્ટે તેના પપ્પાના અંતિમ સંસ્કાર થયાના ગણતરીના કલાકો પછી બારમાની મૅથ્સની પરીક્ષા આપી હતી તો એક્ઝામ હૉલમાં જ ચક્કર આવી જતાં અકોલાની એક સ્ટુડન્ટને હૉસ્પિટલાઇઝ કરવી પડી હતી. તેણે હૉસ્પિટલમાંથી એક્ઝામ આપી હતી, જ્યારે ભંડારાના એક સ્ટુડન્ટની મમ્મીનું એક્ઝામના આગલા દિવસે જ મૃત્યુ થયું હોવા છતાં તેણે હિંમત બતાવીને પરીક્ષા આપી હતી.

શિવાની દેવકટટે

સંભાજી કેન્દ્રે કૉલેજની શિવાનીના પપ્પાનો હાર્ટ-અટૅકને કારણે જીવ ગયો હતો. શનિવારે તેના પપ્પાના અગ્નિસંસ્કાર બાદ તેણે ૫૦ કિલોમીટર દૂર આવેલા એક્ઝામ સેન્ટર પર પહોંચીને મૅથ્સની એક્ઝામ આપી હતી. 

સુખરામ ભુસારી

ભંડારાના સુખરામ ભુસારીની મમ્મીનું બીમારીને કારણે દસમાની પરીક્ષાના આગલા દિવસે જ મૃત્યુ થયું હતું. એમ છતાં હિંમત હાર્યા વગર સુખરામે મમ્મીના સપનાને પૂરું કરવા માટે ભારે હૈયે એક્ઝામ આપી હતી. આ વિદ્યાર્થીઓની હિંમતની પ્રશંસા થઈ રહી છે અને લોકો શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણને બિરદાવી રહ્યા છે.

શ્રેયા દેશમુખ

અકોલા જિલ્લાના મૂર્તિજાપુર તાલુકામાં શનિવારે મૅથ્સની એક્ઝામ આપવા સેન્ટર પર પહોંચેલી શ્રેયા દેશમુખની તબિયત અચાનક બગડી ગઈ હતી અને ચક્કરને કારણે તે બેભાન થઈ ગઈ હતી. તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી, પણ તેણે પરીક્ષા આપવાની તૈયારી બતાવતાં સવારે ૧૧.૪૦ વાગ્યે તેનું પેપર હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. શિક્ષકોની હાજરીમાં અને નિયમોનું પાલન કરીને વિદ્યાર્થિનીએ હૉસ્પિટલમાં જ મૅથ્સનું પેપર પૂરું કર્યું.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra Education akola