કોરોના અને ઑનલાઇન શિક્ષણને લીધે સ્ટેશનરીનો ધંધો મરણપથારીએ

08 January, 2021 10:57 AM IST  |  Mumbai | Rohit Parikh

કોરોના અને ઑનલાઇન શિક્ષણને લીધે સ્ટેશનરીનો ધંધો મરણપથારીએ

પારસ શાહ, કિશોર કેનિયા, અંકિત ખંડોલ

કોરોના વાઇરસને કારણે મુંબઈમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ પડી છે. ઑનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. માર્કેટમાં અનેક ઑફિસોનો કારોબાર પણ બંધ છે. આ સંજોગોમાં સ્ટેશનરી ઉદ્યોગ મૃતઃપ્રાય થઈ ગયો હોવાનું ખુદ સ્ટેશનરીના વેપારીઓનું કહેવું છે.
જો સરકાર હજી ટ્રેનો શરૂ કરવામાં અને સ્કૂલોને ખોલવામાં વિલંબ કરશે તો સ્ટેશનરી ઉદ્યોગ સાથે સંકળાયેલા મુંબઈ અને મહારાષ્ટ્રના ૫૦,૦૦૦થી વધુ વેપારીઓ આર્થિક સંકટમાં આવી જશે. આવી પરિ‌સ્થિતિ હોવા છતાં સરકાર તેમની સામે જોતી ન હોવાથી નિરાશ વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોની જેમ અમે આંદોલન કરીશું તો જ સરકાર અમારું સાંભળશે એવું અમને લાગે છે
કોવિડ મહામારીને કારણે સ્ટેશનરી ઉદ્યોગની કમર તૂટી ગઈ છે એ જાણકારી આપતાં ફેડરેશન ઑફ મહારાષ્ટ્ર સ્ટેશનરી મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ટ્રેડર્સ અસોસિએશનના અધ્યક્ષ પારસ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મહામારી અમારા ઉદ્યોગ અને અમારી અર્થવ્યવસ્થા પર એક મોટા પ્રહારરૂપ બની ચૂકી છે. આજે પણ કારીગરોની કમી અને આર્થિક મંદીને કારણે ૫૦ ટકાથી ઉપર ફૅક્ટરીઓ અને દુકાનો બંધ છે. સ્ટેશનરીની જરૂરિયાત જન્મથી લઈને મૃત્યુ સુધી પડે છે. અત્યારના વિપરીત કાળમાં શિક્ષણસંસ્થાઓ બંધ હોવાથી બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યું છે એની સાથે સ્ટેશનરી ઉદ્યોગની કબર પણ ખોદાઈ ગઈ છે.’
આજે પરંપરાગત એજ્યુકેશન સિસ્ટમ પરિવર્તિત થઈને ઑનલાઇન એજ્યુકેશન સિસ્ટમ બની જતાં સ્ટેશનરી અને ‌સાહિત્યના ઉત્પાદકો તેમ જ વિક્રેતાઓની પરિસ્થિતિ બહુ જ દયનીય થઈ ગઈ છે એમ જણાવતાં મસ્જિદ બંદર સ્ટેશનરી અસોસિએશનના અધ્યક્ષ કિશોર કેનિયા અને ઘાટકોપરના સ્ટેશનરીના હોલસેલ વેપારી અંકિત ખંડોલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑનલાઇન એજ્યુકેશનનો ફાયદો ફક્ત ૩૦ ટકા બાળકો જ લઈ શકે છે. સ્ટેશનરી વગરના એજ્યુકેશનથી બાળકોનો માનસિક વિકાસ રુંધાઈ રહ્યો છે. શહેરો સિવાય આ વ્યવસ્થાની સુવિધા શક્ય નથી. સ્ટેશનરીનો ઉપયોગ અત્યારે ઑલમોસ્ટ નહીંવત હોવાથી અમારી આવક સામે અમારા ખર્ચા બંધબેસતા નથી. લૉકડાઉન પહેલાં ખરીદવામાં આવેલા રૉ-મટીરિયલના પૈસા ચૂકવતાં-ચૂકવતાં બૅન્ક-બૅલૅન્સ ઝીરો થઈ ગયું છે.’

mumbai mumbai news