ડ્રગ્સ કેસમાં મિનિસ્ટરના જમાઈને મળી ૧૮ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી

15 January, 2021 12:16 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ડ્રગ્સ કેસમાં મિનિસ્ટરના જમાઈને મળી ૧૮ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી

ડ્રગ્સ કેસમાં મિનિસ્ટરના જમાઈને મળી ૧૮ જાન્યુઆરી સુધીની પોલીસ-કસ્ટડી

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા ચાલી રહેલી ૨૦૦ કિલો ડ્રગ કેસની તપાસમાં રાજ્યના માઇનૉરિટી અફેર્સ મિનિસ્ટર નવાબ મલિકના જમાઈ સમીર ખાનની બુધવારે ધરપકડ કર્યા બાદ તેને ગુરુવારે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૮ જાન્યુઆરી સુધીની એનસીબી કસ્ટડી આપી હતી. એ સિવાય ગુરુવાર સવારથી જ તેના બાંદરામાં આવેલા લા મોર બિલ્ડિંગના બીજા માળે આવેલા ફ્લૅટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઑફિસ પર સર્ચ ઑપરેશન પણ હાથ ધરાયું હતું. સર્ચ ઑપરેશન હેઠળ ડ્રગ સહિત, પુરાવા માટે દસ્તાવેજો, તેના લૅપટૉપ, મોબાઇલ અને અન્ય ડિજિટલ ગેઝેટ્સની પણ ચકાસણી કરાઈ રહી હોવાનું બહાર આવ્યું હતું. જુહુમાં પણ એક જગ્યાએ સર્ચ ઑપરેશન ચાલી રહ્યું હતું.
આ કેસમાં ગયા અઠવાડિયે બ્રિટિશ નાગરિક કરન સજનાની, રાહિલા ફર્નિચરવાલા અને તેની બહેન શાઇસ્તા ફર્નિચરવાલાની ધરપકડ કરાઈ હતી. એ સિવાય મુંબઈના જાણીતા પાનવાલા મુછ્છડ પાનવાલાના દીકરા રામશંકર તિવારીની પણ ધરપકડ કરાઈ હતી. હાલમાં તેને જામીન મળતાં તે બહાર છે.
એનસીબીને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સમીર ખાને કરન સજનાનીને ૨૦,૦૦૦ રૂપિયાનું ગૂગલ પેથી ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું. એથી બુધવારે સમીર ખાનને સમન્સ મોકલાવી તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો. ૧૦ કલાક સુધી તેની સઘન તપાસ કરાયા બાદ પોલીસને બન્ને વચ્ચે કુલ ૬ લાખ રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, બન્ને વચ્ચે ડ્રગ્સને લગતી અમુક ઇમેજ પર એક્સચેન્જ થઈ હતી.

કાયદાથી કોઈ પર નથી : નવાબ મલિક 

સમીર ખાનની ધરપકડ અને ત્યાર બાદ તેના ઘર પર એનસીબે કરેલા સર્ચ ઑપરેશન બાદ પ્રતિક્રિયા આપતાં નવાબ મલિકે કહ્યું હતું કે ‘કોઈ પણ કાયદાથી પર નથી, કોઈ પણ ભેદભાવ વગર એ લાગુ કરાશે. કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાય થશે. હું જુડિશ્યરીને માન આપું છું અને એમાં પૂરો વિશ્વાસ ધરાવું છું.’

mumbai mumbai news Crime News