એપીએમસીનું સૉલ્યુશન રાજ્ય સરકાર પાસે છે

04 October, 2020 08:26 AM IST  |  Mumbai | Mumbai correspondent

એપીએમસીનું સૉલ્યુશન રાજ્ય સરકાર પાસે છે

પીયૂષ ગોયલને આવેદનપત્ર આપી રહેલા કીર્તિ રાણા

ખેડૂતના સશક્તીકરણ વિષય પર ગઈ કાલે યશવંત ચવાણ ઑડિટોરિયમમાં કેન્દ્રીય રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન અને મુંબઈના સંસદસભ્યો સાથે એપીએમસી માર્કેટના વેપારી-નેતાઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં વેપારીઓએ કિસાન બિલનું સ્વાગત કર્યું હતું, પરંતુ એની સાથે વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં છે એવી એપીએમસીના વેપારી-નેતાઓએ રજૂઆત કરી હતી, જેની સામે પીયૂષ ગોયલે કહ્યું હતું કે આનું સૉલ્યુશન રાજ્ય સરકારના હાથમાં જ છે. રાજ્ય સરકાર એપીએમસીમાંથી સેસ હટાવી દેતાં વેપારીઓને આ બિલના ફાયદા જરૂર દેખાશે.
ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી વેપારીઓની હાલત અત્યારે ફુટબૉલ જેવી છે. એક બાજુથી કેન્દ્ર સરકાર કીક મારે છે અને બીજી બાજુથી રાજ્ય સરકાર કીક મારે છે. ગઈ કાલની મીટિંગમાં અમે પીયૂષ ગોયલ સામે નવા કાયદાને લીધે એપીએમસી બજારમાં કાર્યરત વ્યાપારીઓ સામે ઊભી થનારી સમસ્યાઓની રજૂઆત કરી હતી. નવી મુંબઈ વાશીના ડિરેકટર નીલેશ વીરાએ પણ પીયૂષ ગોયલ સમક્ષ વેપારીઓનું અસ્તિત્વ કેવી રીતે જોખમમાં મુકાઈ શકે એમ છે એની રજૂઆત કરી હતી. દરેક સંકટ સમયે પોતાની ફરજ બજાવનાર બજારના નાના વેપારીઓ પર ટૅક્સ લાગે છે અને બજારની બહાર મોટી કંપનીઓને ટૅક્સ-ફ્રી વેપારને લીધે બજારના વેપારીઓને લેવલ પ્લે મળતો નથી એ વેપારીઓ પર અન્યાય છે. આ બાબત પર સરકારે ઘટતું કરવું જોઈએ.’
પીયૂષ ગોયલે કહ્યું હતું કે ‘તમને તો અત્યારે મહારાષ્ટ્ર સરકાર તરફથી સ્ટે મળી જ ગયો છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી. બાકી એપીએમસી પરના ચાર્જ અને એપીએમસી હટાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જે દિવસે રાજ્ય સરકાર એપીએમસી હટાવી દેશે એ દિવસે કિસાનો અને તેની સાથે સંકળાયેલા બધા જ વેપારીઓને કિસાન બિલના નવા કાયદાના ફાયદા દેખાશે. એપીએમસીના વેપારીઓ પણ માર્કેટની બહાર તેમનો ધંધો શરૂ કરી શકે છે. તેમણે નવા કાયદાનું સ્વાગત કરતાં બહાર બિઝનેસ શરૂ કરવા જોઈએ.’
નવી મુંબઈ મર્ચન્ટ્સ ચૅમ્બરના અધ્યક્ષ કીર્તિ રાણાએ પીયૂષ ગોયલને એક આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતની માહિતી આપતાં કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આવેદનપત્રમાં અમે સરકારને જણાવ્યું છે કે એપીએમસી કાનૂન સમાન રાખો, એમાં ભેદભાવ અને અસમાનતા ન ચાલે. અમે કિસાન બિલનું સ્વાગત કરીએ છીએ, જે વેપારીઓ અને ઘરાકોના હિતમાં જણાય છે, પણ‍ નવી મુંબઈની એપીએમસી માર્કેટ ઇન્ટરનૅશનલ ટર્મિનલ માર્કેટ છે, જેની સાથે કરિયાણાં માર્કેટ સંકળાયેલી છે. નવા કાયદાનું અમલીકરણ ત્યારે જ સફળ થાય જ્યારે એપીએમસી માર્કેટ-ફી રદ કરવામાં આવે.’
પીયૂષ ગોયલ સાથે શેતકરી સક્ષમીકરણ સંવાદમાં સંસદસભ્ય મનોજ કોટક, ગોપાલ શેટ્ટી, મંગલ પ્રભાત લોઢા, આશિષ શેલાર, કપિલ પાટીલ વિગેરે હાજર રહ્યા હતા. એપીએમસીમાંથી હંસરાજ ભાનુશાલી, ભાવેશ ગોરી, મયૂર સોની, મુકેશ દત્તાણી, ભુમેશ શાહ અને કિસાન સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

mumbai mumbai news apmc market