સેકન્ડ વેવ લઈ શકે છે ડૉક્ટરોને પણ ભીંસમાં

10 April, 2021 11:56 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

વાઇરસના સંપર્કમાં આવવાનો, સ્વજનો સંક્રમિત થવાનો તથા એસીની સુવિધા વિના પીપીઈ સૂટમાં ૩૫થી ૩૯ ડિગ્રી ગરમીમાં કામ કરવાનો ભય ફરી તેમનામાં કબજો જમાવવા માંડ્યો છે

કોવિડ-૧૯ સામેના રસીકરણ કાર્યક્રમમાં ડૉક્ટરો પણ જોડાયા છે.

કોરોનાની સેકન્ડ વેવ એની સાથે તબીબી સમુદાયને શારીરિક, સાંવેદનિક અને મનોવૈજ્ઞાનિક રીતે નિચોવી નાખવાનો ભય લઈને આવી છે. વાઇરસના સંપર્કમાં આવવાનો, એના કારણે સ્વજનો સંક્રમિત થવાનો, એસીની સુવિધા વિના પીપીઈ સૂટમાં ૩૫થી ૩૯ ડિગ્રી ગરમીમાં કામ કરવાનો ભય ફરી કબજો જમાવવા માંડ્યો છે. એની સાથે તેમને તેમની સ્પેશ્યલિટીઝમાં પડનારી શૈક્ષણિક ખોટની પણ ચિંતા સતાવી રહી છે.
ડૉ. આર. એન. કૂપર હૉસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ ન્યુરોસર્જરીનાં બ્રેઇન ઍન્ડ સ્પાઇન સર્જ્યન ડૉ. શ્રદ્ધા મહેશ્વરીએ જણાવ્યું હતું કે ‘ડૉક્ટરોએ તેમની સ્પેશ્યલિટીઝમાં નુકસાન સહન કરવું પડશે એ ચિંતાજનક બાબત છે. આ શૈક્ષણિક ખોટ વિશિષ્ટ સારવારની જરૂરિયાત ધરાવતા દરદીઓને પણ પ્રભાવિત કરશે. ગયા વર્ષે મહામારીને કારણે પોસ્ટ-ગ્રૅજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી શક્યા નહોતા અને જો આમ જ ચાલુ રહ્યું તો ઘણી સંસ્થાઓ, તબીબી સમુદાય અને જનતા મુશ્કેલીમાં મુકાશે.’ 
થાણેની જ્યુપિટર હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સંજય કુમાવતે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જુનિયર રેસિડન્ટ ડૉક્ટરો, પોસ્ટ-ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ વગેરેને ફરી એક વખત તેમની સ્પેશ્યલિટીઝ પર ધ્યાન આપવાને બદલે કોરોનાની ડ્યુટી પર જવાની ફરજ પડી છે. જનરલ હૉસ્પિટલોની મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓને કોવિડ સેન્ટર્સમાં ફેરવી દેવાતાં પીજી વિદ્યાર્થીઓની મુસીબતમાં ઉમેરો થયો છે.’

Mumbai Mumbai news vinod kumar menon