22 April, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોર્ટ, શિપિંગ અને વૉટરવેના કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને રાજ્યકક્ષાના પ્રધાન શાંતનુ ઠાકુરે ગઈ કાલે મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું
દક્ષિણ મુંબઈના બૅલાર્ડ પિયરમાં ૫૫૬ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલનું ગઈ કાલે કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વૉટરવે પ્રધાન સર્વાનંદ સોનોવાલે ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્રૂઝ ટર્મિનલમાં એકસાથે બે વિશાળ ક્રૂઝ જહાજ ઊભાં રહી શકશે. ૨૦૧૮માં ક્રૂઝ ટર્મિનલનું કામ શરૂ કરવામાં આવ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં કામ પૂરું થયું હતું. ક્રૂઝ ટર્મિનલનું સંચાલન બૅલાર્ડ પિયર પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને જે. એમ. બક્ષી ઍન્ડ કંપનીને ૩૦ વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. આ નવું ટર્મિનલ શરૂ થઈ જવાથી એ મુંબઈને ક્રૂઝ યાત્રાનું કેન્દ્ર બનાવશે.
૪.૧૫ લાખ ચોરસફીટમાં ફેલાયેલા ગ્રાઉન્ડ અને ત્રણ માળના મુંબઈના ક્રૂઝ ટર્મિનલમાં એકસાથે બે ક્રૂઝ જહાજ ઊભાં રહી શકે એટલી વિશાળ જગ્યા છે. અહીં દરરોજ ૧૦ હજાર અને વર્ષે ૫૦૦ ક્રૂઝ જહાજમાં ૧૦ લાખ વિદેશી પ્રવાસીઓ મુંબઈ આવી અને જઈ શકશે. તેમની સુવિધા માટે ટર્મિલનમાં ૭૨ ઇમિગ્રેશન કાઉન્ટર બનાવવામાં આવ્યાં છે. પ્રવાસીઓની સુવિધા માટે બાવીસ લિફ્ટ, ૧૦ એસ્કેલેટર અને ૩૦૦ કાર માટે પાર્કિંગની સુવિધા ઉપરાંત પ્રવાસીઓ હરી-ફરીને ખાઈ-પી શકે એ માટે દુકાન અને ફૂડ-સ્ટૉલ્સ બનાવવામાં આવ્યા છે.