સેન્ટ્રલ રેલવેની આરપીએફને ક્રાઇમના સ્થળે પહોંચવા માટે મળ્યો બુલેટનો સાથ

11 May, 2022 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેની રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) વધુ સ્પીડથી કામ કરી શકે એટલા માટે એને હવે બુલેટની મદદ મળી છે.

આરપીએફને બુલેટ મળી હોવાથી હવે પેટ્રોલિંગ કરવું સરળ બનશે.


મુંબઈ : સેન્ટ્રલ રેલવેની રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) વધુ સ્પીડથી કામ કરી શકે એટલા માટે એને હવે બુલેટની મદદ મળી છે. આરપીએફના જવાનોને ક્રાઇમના સ્થળે ઝડપથી પહોંચવા માટે રૉયલ એન્ફીલ્ડ આપવામાં આવી છે. એનાથી સ્ટેશનના પરિસરમાં રાતના સમયે પૅટ્રોલિંગ કરવું સહેલું બનશે. 
રેલવેની સંપત્તિનું રક્ષણ કરવાથી લઈને પ્રવાસીઓના સામાનની સુરક્ષાવ્યવસ્થા પર નજર રાખવાનું મહત્ત્વનું કામ આરપીએફ દ્વારા કરવામાં આવતું હોય છે. અવારનવાર ટ્રેનોમાં અસામાજિક તત્ત્વો દ્વારા રેલવે અને પ્રવાસીઓની સુરક્ષા સામે પ્રશ્ન ઊભા થાય એવા બનાવો બનતા હોય છે. એથી સુરક્ષાવ્યવસ્થા સંભાળવા અને ઇમર્જન્સીની પરિસ્થિતિમાં અથવા અકસ્માત કે ક્રાઇમના સ્થળે જલદી પહોંચવા માટે આરપીએફને રૉયલ એન્ફીલ્ડ આપવામાં આવી છે. એને કારણે સ્ટેશનના પરિસરમાં દિવસ-રાત પૅટ્રોલિંગ કરવું શક્ય બન્યું છે. હાલમાં સેન્ટ્રલ રેલવેનાં વિવિધ ડિવિઝનોમાં આરપીએફને બુલેટ આપવામાં આવી છે અને એમાંથી મુંબઈ વિભાગને ૯ આવી બાઇક મળી છે. 
આ વિશે સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીસ્વાતવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના આરપીએફના કાફલામાં નવ બાઇક આવી હોવાથી એ ખૂબ મદદગાર નીવડશે. નાઇટ પૅટ્રોલિંગ સાથે યાર્ડમાં જવા માટે બેથી ત્રણ કિલોમીટર હોવાથી દૂર જવું પડતું હોય છે. એથી આ બાઇક સારી કામમાં આવશે.’

mumbai news mumbai