મુંબઈને ધમરોળ્યા પછી વરસાદ થોડો ધીમો પડ્યો

07 August, 2020 09:13 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

મુંબઈને ધમરોળ્યા પછી વરસાદ થોડો ધીમો પડ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બુધવારે જોરદાર બૅટિંગ કર્યા બાદ ગુરુવારે પણ વરસાદની સતત ધાર ચાલુ હતી. બુધવારે વરસાદે તળ મુંબઈમાં ૪૬ વર્ષનો રેકૉર્ડ તોડ્યો હતો. ૧૯૭૭માં ૧૨ કલાકમાં કોલાબામાં ૨૬૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો, જ્યારે બુધવારે કોલાબામાં ૧૨ કલાકમાં ૨૯૩.૮ મિલીમીટર વરસાદ પડ્યો હોવાથી વર્ષો બાદ તળ મુંબઈના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ગુરુવારે પણ વરસાદની સતત ધાર મુંબઈમાં ચાલુ જ હતી. જોકે એનું જોર બુધવાર જેવું નહોતું. બુધવારે અટવાઈ પડેલા અનેક લોકો ગુરુવારે સવારે તેમના ઘરે પહોંચી શક્યા હતા, એથી ઘણા લોકોએ ભારે વરસાદની આગાહી હોવાથી ઘરમાંથી નીકળવાનું ટાળ્યું હતું, જેના કારણે રોડ પર ઓછો ટ્રાફિક હતો. એ જ રીતે લોકલમાં પણ પ્રવાસ કરનારા સરકારી-કર્મચારીઓ અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓની સંખ્યા પણ ઓછી હતી.
કૅમ્પ્સ કૉર્નર પાસે પેડર રોડ પર માટી ધસી પડતાં અને ઝાડ ઊખડી પડતાં રોડ પર તિરાડ પડી ગઈ હતી. સંસદસભ્ય અરવિંદ સાવંત અને ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંજીવ જયસ્વાલે ઘટનાસ્થળે જઈ અધિકારીઓ સાથે એ બાબતે નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
જ્યારે પ્રભાદેવીની ખેડ ગલીમાં બાવીસ માળના સુવિધા ટાવરની બાજુમાં જ આવેલા ઓંકાર બિલ્ડિંગનો કેટલોક ભાગ બે દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે તૂટી પડ્યો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી.
રેલવે-કર્મચારીનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મોત
મસ્જિદ બંદર રેલવે સ્ટેશન પર રેલવેના એક કર્મચારીનું દુર્ઘટનાને કારણે મોત થયું હતું. આ વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે ‘બુધવારે મધરાત બાદ ગુરુવારે ૨.૪૫ વાગ્યે ૨૭ વર્ષનો ટ્રૅકમૅન સંજીત કુમાર અને બીએમસીનો પંપ-ઑપરેટર બન્ને મસ્જિદ બંદર સ્ટેશન પાસે ઈસ્ટમાં પહોંચ્યા હતા. બીએમસીનો પંપ બંધ થઈ ગયો હોવાથી સંજીત કુમાર એ ચેક કરવા પાણીમાં ઊતર્યો હતો. એ વખતે તેને ઇલેક્ટ્રિકનો શોક લાગતાં ત્યાં જ તે ફસડાઈ પડ્યો હતો. તેને તરત જ બૉમ્બે હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટોરોએ તેને મૃત જાહેર કર્યો હતો.’
સેન્ટ્રલ અને વેસ્ટર્નની ટ્રેનો ચાલુ, પ્રવાસીઓ ઓછા
ભારે વરસાદના કારણે બુધવારે ખોડંગાયા બાદ ગઈ કાલે ગુરુવારે વેસ્ટર્ન રેલવેમાં માત્ર ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ સ્લો ટ્રૅક પર ઝાડ પડવાના કારણે સિગ્નલ સિસ્ટમની ખામીને કારણે ટ્રેનો નહોતી દોડી શકી. બાકીની ટ્રેનો રાબેતા મુજબ ચાલુ હતી. સ્લો ટ્રૅક પરની ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ માટે ફાસ્ટ કૉરિડોર પર વાળવામાં આવતી હતી.
જ્યારે મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારના કહેવા અનુસાર સવારના ૮ વાગ્યા બાદ ટ્રેનો રાબેતા મુજબ દોડી હતી, જ્યારે કોંકણ રેલવેમાં પારમેર પાસે ટનલ ધસી પડવાથી માટી ઉસેડવાનું કામ હાથ ધરાયું હતું.
બેસ્ટના પ્રવક્તા મનોજ વરાડેએ કહ્યું હતું કે ‘બુધવારની સરખામણીએ ગઈ કાલે વરસાદનું જોર ઓછું હતું એમ છતાં કેટલાક રુટ પર ડાઇવર્ઝન કરાયું હતું. ’
ભારે વરસાદની આગાહી
વેધશાળાએ આગાહી કરી છે કે આવતા ૨૪ કલાકમાં ૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી શકે છે. ગુરુવારે કોલાબામાં સવારે ૮.૩૦થી સાંજે ૮.૩૦ વાગ્યા દરમ્યાન ૧૩.૨ મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં ૩૨.૨ મિમી વરસાદ નોંધાયો હતો.

mumbai mumbai news mumbai rains