તમારો લોકલનો પ્રવાસ ઠંડા-ઠંડા કૂલ-કૂલ કરવાની રેલવેની યોજના

24 September, 2021 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના માટે વેસ્ટર્ન રેલવે અત્યારની ટ્રેનોમાં જ એસી કોચ જોડી શકાય કે નહીં એની ચર્ચા ઇન્ડિયન કોચ ફૅક્ટરી સાથે કરી રહી છે

તમારો લોકલનો પ્રવાસ ઠંડા-ઠંડા કૂલ-કૂલ કરવાની રેલવેની યોજના

વેસ્ટર્ન રેલવે લોકલ સર્વિસ માટે એસી કોચ વધારવાની યોજના કરી રહી છે. એણે મુંબઈ સબર્બન નેટવર્કના લોકલ ટ્રેનના પ્રવાસીઓનો સર્વે કરીને લોકલ ટ્રેનની સર્વિસમાં કયા ફેરફારોની જરૂર છે એ અંગે તેમની પ્રાથમિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર આલોક બંસલે જણાવ્યું હતું કે ‘સર્વેમાં ૨૦ સવાલો પુછાયા હતા અને ૭૦ ટકા પ્રવાસીઓએ રેલવે તંત્રને એસી લોકલની સંખ્યા વધારવાની વિનંતી કરી હતી. અમે એસી લોકલની સર્વિસ વધારવાના ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છીએ. એ માટે અમે મહારાષ્ટ્ર સરકારના મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) અને કેન્દ્ર સરકારના મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) સાથે સતત વાટાઘાટ કરી રહ્યા છીએ.’
તેમણે જણાવ્યું હતું કે ‘સમય વીતવા સાથે લોકો લોકલ ટ્રેનોમાં બહેતર સુવિધાઓની અપેક્ષા રાખે છે. એના કારણે સર્વેમાં સામેલ મોટા ભાગના લોકોએ એસી લોકલ રેલ-સર્વિસ વધારવાની માગણી કરી હતી.’ 
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ‘હાલના તબક્કે દરેક લોકલ ટ્રેનમાં નૉન-એસી સર્વિસ પણ ચોક્કસ માત્રામાં ઉપલબ્ધ રહેશે. અમે હાઇબ્રિડ લોકલ ટ્રેનો શરૂ કરવાની પણ યોજના ઘડી રહ્યા છીએ, જેમાં સમાન ટ્રેનમાં એસી કોચ અને નૉન-એસી કોચ હશે. આગામી વર્ષોમાં તમામ લોકલ ટ્રેનો નૉન-એસીની સાથે એસી કોચ પણ ધરાવતી હશે. અમે એ માટેની વ્યવહારુ શક્યતા ચકાસી રહ્યા છીએ.’
લોકલ ટ્રેનોના નૉન-એસી કોચ સાથે એસી કોચને જોડવાના તકનીકી મુદ્દાઓની ચર્ચા કરવા માટે વેસ્ટર્ન રેલવે સત્તાતંત્ર ઇન્ડિયન કોચ ફૅક્ટરી સાથે મંત્રણા કરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Mumbai mumbai news mumbai local train