મુલુંડમાં ટ્રાફિક વિભાગ અને ઇલેક્ટ્રિસિટી કંપનીનો ઝઘડો વધ્યો...

13 March, 2021 11:48 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુલુંડમાં ટ્રાફિક વિભાગ અને ઇલેક્ટ્રિસિટી કંપનીનો ઝઘડો વધ્યો...

મુલુંડમાં ટ્રાફિક વિભાગ અને ઇલેક્ટ્રિસિટી કંપનીનો ઝઘડો વધ્યો...

મુલુંડમાં બે સરકારી વિભાગના ઝઘડા ચાલી રહ્યા છે એમાં એક નવો વળાંક આવ્યો છે. ગઈ કાલે મહાવિતરણનો સ્ટાફ ટ્રાફિક વિભાગના જોઇન્ટ સીપી યશસ્વી યાદવ પાસે ઘટનાની જાણ માટે ગયો હતો ત્યારે તેઓએ અધિકારીઓને હવેથી કોઈ પણ પરમિશન લેવા માટે અહીં ન આવવાનું કહ્યું હતું. પોલીસ અધિકારીના આવા જવાબથી મહાવિતરણના અધિકારીઓએ હવે કામ બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. આની પાછળનું બીજું કારણ અે છે કે નાનાં કામ માટે વરલી હેડ ઑફિસ સુધી પરવાનગી લેવા જવું એ શક્ય નથી. એ સાથે અનેક કારણો પણ મહાવિતરણ દ્વારા કહેવામાં આવ્યા હતા.
મુલુંડમાં બુધવારે એમએસઇડીસીએલ અને મુલુંડ ટ્રાફિક વિભાગના અધિકારીઓ એકબીજાનાં કામમાં અડચણ નાખતા તેઓ બાખડી પડ્યા હતા. ટ્રાફિક વિભાગના અધિકારીઓએ ગુરુવારે સાંજે મુલુંડ પોલીસ સ્ટેશનમાં કૉન્ટ્રૅકટર સામે રોડ પર વગર ટ્રાફિક પરમિશન કામ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી એ જોતાં એમએસઇડીસીએલ અધિકારીઓએ ગઈ કાલે ટ્રાફિકના જોઇન્ટ સીપી યશસ્વી યાદવને પત્ર લખ્યો હતો જેમાં જણાવાયું હતું કે મુલુંડ વિભાગના અધિકારીઓ કૉન્ટ્રૅકટરો પાસે લાંચની માગણી કરતાં હોય છે, જો તેઓ લાંચ ન આપે તો તેઓ પર પોલીસ સ્ટેશન લઈ જઈ કાર્યવાહી કરતા હોય છે. એ સાથે બુધવારે અમારા અધિકારીઓને ટ્રાફિક વિભાગના અધિકારીઓએ ધકામુક્કી કરી હતી તો એ લોકો સામે પણ ફરિયાદ નોંધી તેઓની પણ ધરપકડ કરો, એ સાથે અધિકારીઓ ઘટનાના નિવારણ માટે યાદવ પાસે પહોંચ્યા હતા. જોકે તેઓએ નિવારણ ન કરતાં કહ્યું હતું કે હવેથી મુલુંડમાં રોડ પર કોઈ કામ કરવા માટે મારી પાસે વરલી ઑફિસમાં પરમિશન લેવા આવવું પડશે.
આ સંબંધે એમએસઇડીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દતાત્રય ભણગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જોઇન્ટ પોલીસ કમિશનરે આપેલા નિવારણમાં તેઓએ અહીં આવી પરમિશન લેવા કહ્યું હતું, જોકે તે શક્ય નથી, કારણ કે રોડના કોઈ પણ કામ માટે પાલિકા અમને ત્રણ દિવસની પરવાનગી આપે છે અને જો વરલી અમે પરવાનગી લેવા જઈઅે તો ત્યાંથી પરમિશન આવતાં આઠ દિવસ લાગે તો પાલિકાએ આપેલા ત્રણ દિવસ અમારા હાથમાંથી નીકળી જાય એ કારણસર હવે અમે મુલુંડમાં ચાલતા એમએસઇડીસીએલ કામ બંધ કરીશું.
એમએસઇડીસીએલના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે અમારી ફરિયાદ તેઓ પાસે લઈને ગયા હતા પણ અમારી સાથે સારો વ્યવહાર ન કરતાં તેઓએ અમને પરવાનગી લેવા વરલી આવવા માટે કહ્યું હતું, એ સાથે તેઓએ મુલુંડના ટ્રાફિક વિભાગના અધિકારી જેઓઅે અમારી સાથે ગેરવર્તન કર્યું હતું તેઓ પર કોઈ પગલાં લીધાં નહોતા.
આ સંબંધી મુંબઈના ટ્રાફિક જોઇન્ટ કમિશનર યશસ્વી યાદવનો ‘મિડ-ડે’ દ્વારા સંપર્ક કરવામાં આવતાં તેમણે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

mumbai mumbai news mulund