પ્રૉપર્ટી ઇન્વેસ્ટરને ત્યાં જીએસટી અધિકારીઓએ પાડી બોગસ રેઇડ

19 September, 2021 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑફિસમાં પડેલા ૧૧ લાખ રૂપિયા જપ્ત કરવાના બહાને લઈ ગયા અને કોઈ રસીદ પણ ન આપી : પોલીસે ૩ જીએસટી અધિકારીઓ સહિત ચાર જણની કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

કાલબાદેવી વિસ્તારમાં એક પ્રૉપર્ટી ઇન્વેસ્ટરને ત્યાં જીએસટી અધિકારીઓ તરીકે ઓળખ આપીને ચાર જણે રેઇડ પાડી હતી. એમાં ઑફિસમાં પડેલા ૧૧ લાખ રૂપિયા જપ્ત કરવાના બહાને તેઓ લઈ ગયા હતા. આ અધિકારીઓ કોઈ પણ પ્રકારની પાવતી આપી ન જતાં વેપારીએ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં બોગસ અધિકારીઓ આવીને ૧૧ લાખ રૂપિયા લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને ૩ જીએસટી અધિકારીઓ સહિત ચાર જણની ગેરકાયદે રીતે રેઇડ પાડવા બદલ ધરપકડ કરી છે.
એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જે દિવસે ઘટના બની હતી એ દિવસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અમે તપાસ્યાં હતાં. એની સાથે અમે જીએસટી ઑફિસમાં પણ પૂછપરછ કરી હતી. ત્યારે જીએસટી ઑફિસમાંથી અમને જણાવવામાં આવ્યું હતું કે તેમની ઑફિસ તરફથી કોઈ રેઇડ પાડવામાં આવી નહોતી. ત્યાર બાદ અમે સીસીટીવી કૅમેરાનાં વધુ ફુટેજ હસ્તગત કરીને બારીકાઈથી તપાસ કરી હતી. એમાંથી અમને એક યુવકનો ચહેરો જીએસટી ઑફિસમાં બેઠેલા યુવક સાથે મળતો દેખાયો હતો. અમે તેના પર સર્વેલન્સ રાખીને તેની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીએ તેની સાથેના અન્ય ત્રણ યુવકો ઑફિસના હોવાનું કબૂલ્યું હતું. તેમણે પૈસા કમાવાની લાલચમાં અહીં રેઇડ પાડી હતી જેની ઑફિસની કોઈ ડાયરીમાં એન્ટ્રી કરી નહોતી. આરોપીઓ પાસેથી ૧૧ લાખ હસ્તગત કરવામાં આવ્યા છે.’

Mumbai mumbai news