દેવદૂત સાબિત થયો પોલીસ હવાલદાર, ૮૮ લોકોના બચાવ્યા જીવ

15 March, 2020 10:49 AM IST  |  Mumbai Desk

દેવદૂત સાબિત થયો પોલીસ હવાલદાર, ૮૮ લોકોના બચાવ્યા જીવ

ડૂબતી બોટ અને પ્રવાસીઓને બચાવનાર પ્રશાંત ધરત.

અલીબાગમાં માંડવા બંદરથી નજીકના એક ખડક સાથે ભટકાતાં પ્રવાસી બોટ પલટી થઈ ગઈ હતી. આ બોટમાં પ્રવાસ કરી રહેલા તમામ ૮૮ પ્રવાસીને બચાવી લેવામાં સફળતા મળી હતી. ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે આ ઘટના ઘટી હતી.

ગેટવે ઑફ ઈન્ડિયાથી અલીબાગની દિશામાં જનારી અંજતા નામની પ્રવાસી બોટ માંડવા બંદરથી ૧ કિલોમીટર દૂર હશે ત્યારે આ ભીષણ દુર્ઘટના ઘટી હતી. સમુદ્રના એક ખડક સાથે બોટ અથડાવાને કારણે પલટી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. બોટ જ્યાં ઊંધી વળી ત્યાં પોલીસની બોટ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસ અને બોટમાં સવાર અન્ય કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને સમયસર મદદકાર્ય કરીને પ્રવાસીઓને બચાવી લીધા હતા. બોટ ડૂબવા માંડતા માંડવા પોલીસ સ્ટેશનના પોલીસ નાયક પ્રશાંત ધરતે ભારે સાહસનું કામ કર્યું હતું, અન્યથા મોટી દુર્ધટના સર્જાઈ હોત.

મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી આ બોટ સવારે નવ વાગે નીકળી હતી. ૧૦.૩૦ વાગે આ બોટને અકસ્માત નડતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બોટ એક બાજુ નમી જતાં એમાં પાણી ભરાવા લાગ્યું હતું. રાયગઢ પોલીસ સુપરિટેન્ડન્ટ અનિલ પારસ્કરે કહ્યું હતું કે મરીન પોલીસને આ અંગેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ત્યાં પેટ્રોલિંગ કરી રહેલા પ્રશાંત ધરતે અન્ય બે સાથીઓની મદદથી ૮૦ જેટલા પેસેન્જરોને પોતાની બોટમાં લઈ લીધા હતા તો અન્ય ૮ પ્રવાસીઓને બીજી પ્રાઇવેટ બોટમાં બેસાડીને માંડવામાં સલામત રીતે લાવવામાં આવ્યા હતા.

ઉરણમાં ખાનગી જહાજ જેટ્ટી સામે ટકરાયું
નવી મુંબઈના ઉરણમાં દરિયાકિનારે આઇએનએસ કરંજા ખાતે લાંગરેલા ખાનગી જહાજ એમ.વી.હલામી સ્ટાર જેટ્ટી સામે અથડાયું હતું. એ જહાજનું લંગર છૂટી જતાં દરિયાના મોજાંના પ્રવાહમાં તણાઈને જેટ્ટી સાથે અથડાયું હતું. અકસ્માતમાં જહાજ કે જેટ્ટીને નુકસાન થયું નહોતું. જહાજનાં એન્જિન બંધ હતાં અને એમાં ફક્ત બે ક્રૂ મેમ્બર્સ હતા. જહાજ તણાતું હતું ત્યારે એ ક્રૂ મેમ્બર્સે કોસ્ટલ પોલીસ તથા નૌકાદળને જાણ કરી હતી. મુંબઈ પોર્ટ કન્ટ્રોલ અૅન્ડ મરીન પોલીસે જહાજને તપાસતાં એમાં કાંઈ શંકાસ્પદ જણાયું નહોતું.

mumbai mumbai news alibaug