કોઈ જમીનદારી સિસ્ટમનો પોલીસ વિભાગ ભાગ નથી

23 November, 2021 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ દેશમુખના મામલામાં રાજ્ય સરકારે બે ટોચના અધિકારી સામેના સમન્સ રદ કરવાની માગણી સામે સીબીઆઇએ હાઈ કોર્ટમાં કહ્યું

અનિલ દેશમુખ (ફાઇલ તસવીર)

રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અનિલ દેશમુખ સામેના ખંડણીના કેસમાં રાજ્ય સરકારે બે ટોચના અધિકારી સામેના સમન્સ રદ કરવાની માગણી બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે, એનો વિરોધ કરતાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગઈ કાલે કોર્ટમાં કહ્યું હતું કે ‘પોલીસ સ્વતંત્ર વિભાગ છે, એ કોઈ જમીનદારી સિસ્ટમનો ભાગ નથી. આથી મહારાષ્ટ્ર સરકારને સેન્ટ્રલ તપાસ એજન્સી દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને પોલીસ વડા સંજય પાંડેને હાજર થવા માટે જારી કરાયેલા સમન્સ રદ કરવા હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરવાનો કોઈ અધિકાર નથી.’
બૉમ્બે હાઈ કોર્ટમાં જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ એસ. વી. કોતવાલની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારની અરજીની સુનાવણી દરમ્યાન સીબીઆઇએ દલીલ કરી હતી. સીબીઆઇ વતી કોર્ટમાં રજૂ થયેલા ઍડિશનલ સોલિસિટર જનરલ અમન લેખીએ દલીલ કરી હતી કે કાયદા મુજબ પોલીસ વિભાગ સ્વતંત્ર છે અને કોઈ જમીનદારી સિસ્ટમનો ભાગ નથી એટલે મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં ટોચના અધિકારીઓ વતી સમન્સ રદ કરવાની અરજી દાખલ કરી છે એ કરી ન શકે. આનાથી પોલીસ વિભાગનું મનોબળ તૂટી શકે છે. ઉપરાંત રાજ્ય સરકારની અરજી અનિલ દેશમુખ સામે સીબીઆઇની કરાઈ રહેલી તપાસને રોકવાનો પ્રયાસ છે.’ 
બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટની સુનાવણી મોકૂફ રખાતાં આજે ફરી સુનાવણી કરાશે.

Mumbai mumbai news