૭ કલાક ફફડાટના

25 November, 2022 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યસ, આટલા સમય સુધી કલ્યાણના લોકોમાં ડર રહ્યો દીપડાનો, જે એક રહેણાક બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો અને કેમે કરીને હાથમાં નહોતો આવી રહ્યો

કલ્યાણના બિલ્ડિંગમાં ઘૂસેલો દીપડો અને (જમણે) એણે ઇન્જર્ડ કરેલો માણસ.


મુંબઈ ઃ કલ્યાણ-ઈસ્ટના કોલસેવાડી વિસ્તારના ચિંચપાડા રોડ પર આવેલા અનુગ્રહ અપાર્ટમેન્ટમાં ગઈ કાલે સવારે એક દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડો આવતાં જ બૂમાબૂમ મચી ગઈ હતી. કોલસેવાડીનો આ વિસ્તાર હાજી મલંગની બાજુમાં જ આવેલો અને એને લાગીને હાજી મલંગનું જંગલ આવેલું હોવાથી ત્યાંથી આ દીપડો શહેરી વિસ્તારમાં આવી ગયો હોવાની શંકા સેવાય છે. દીપડાએ કરેલા હુમલામાં ત્રણ જણ ઘાયલ થતાં અનુગ્રહ અપાર્ટમેન્ટના રહેવાસીઓમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. 
તરત જ આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી, જેણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આવે અને ઍક્શન લે એ પહેલાં જ દીપડાએ ત્રણ જણ પર હુમલો કરી દીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે એ વખતે બિલ્ડિંગમાં દીપડો ઘૂસ્યો હોવાની જાણ થઈ હોવા છતાં એક જણ મકાનમાં દાખલ થયો હતો અને દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી બચવા અન્ય લોકોને તરત જ પોતાના ઘરમાં પુરાઈ રહેવાની અને બારીબારણા અંદરથી બંધ કરી દેવાની સૂચના અપાઈ હતી. એ દીપડો લોકોના ઘોંઘાટને કારણે ગભરાઈ ગયો હતો. એ જ્યારે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતો ત્યારે રસ્તા પર દીપડો જોવા ઊભા રહી ગયેલા લોકો જોખમ વહોરીને પણ મોબાઇલમાં ફોટો પાડવા અને વિડિયો ઉતારવા મંડી પડતા હતા. એ પછી દીપડાને એક ચોક્કસ જગ્યાએ ટ્રૅપ કરવામાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઑફિસરોને સફળતા મળી હતી, પણ એને પાંજરામાં પૂરવા કે પછી ટ્રાન્કિવિલાઇઝરનું ઇન્જેક્શન આપવા એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું થઈ પડ્યું હતું. 
ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર એસ.ડી. સાસ્તેની દોરવણી હેઠળ સાત કલાકની મહેનત બાદ આ અભિયાન પાર પાડવામાં આવ્યું હતું. એસ.ડી. સાસ્તેએ ‘મિડ-ડે’ને માહિતી આપતા કહ્યું હતું કે ‘દીપડો ઘુસ્યાની માહિતી મળ્યા બાદ સવારના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ અમારી ટીમ તેને પકડવા પહોંચી ગઈ હતી. અમારે ત્યાંના રહેવાસીઓ, લોકોની અને સાથે સાથે એ દીપડાને પણ કોઇ ઇજા ન થાય  રીતે સહીસલામત પકડવાનો હતો. અમારી ૧૫-૨૦ જણાની ટીમ એ જગ્યાએ પહોચી હતી. દીપડાને મકાનની અંદરથી પકડવો  એ બહુ ચેલેન્જિંગ હતું. બહુ લાંબો સમય લાગ્યો જોકે એ પછી અમે તેને ટ્રાન્કિવિલાઇઝર ઇન્જેક્શનથી નબળો પાડીને પછી જાળમાં પકડ્યો હતો. તેને એ જ રીતે પકડવો પડે નહીં તો એ હુમલો કરતો હોય છે. આ ઓપરેશનમાં અમારા એક કર્મચારી પર પણ તેણે હુમલો કર્યો હતો એમ છતાં ટીમે દીપડાને પકડવાના પ્રયાસોમા કોઇ કચાશ રાખી નહોતી. પકડાયેલો દીપડો નર છે. હાલ તેને વૅટરનરી ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.’ 

mumbai news kalyan