પક્ષીને બચાવવા જતાં જીવ ગુમાવનાર યુવાનના પરિવારને સધિયારો આપ્યો આ સંસ્થાએ

20 June, 2021 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પક્ષીને બચાવવા જતાં જીવ ગુમાવનાર ગુજરાતી યુવાનના પરિવારને સધિયારો આપ્યો ધાર્મિક અને સામાજિક સંસ્થાએ

મિડ-ડે લોગો

ગુજરાતના અરાવલી જિલ્લાના માલપુર ગામમાં જીવદયાપ્રેમી યુવાન દિલીપ ગલબાભાઈએ ઇલેક્ટ્રિકના થાંભલાના તારમાં ફસાયેલા એક પક્ષીને બચાવવા જતાં તેનો જાન ગુમાવતાં માલપુર ગામમાં હાહાકાર મચી ગયો હતો. દિલીપના પરિવારને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ પહેલ કરી છે. 
આ બાબતની માહિતી આપતાં સમસ્ત મહાજનના ગિરીશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવદયાપ્રેમી યુવાન ‌દિલીપ ગયા ગુરુવારે તેના કામ પર જઈ રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રિકના એક થાંભલા પર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલું પક્ષી તેની નજરમાં આવ્યું હતું. દિલીપ આ દૃશ્ય જોઈને તરત જ એક લાકડી લઈને પક્ષીને બચાવવા થાંભલા પર ચડ્યો હતો. તે લાકડીથી પક્ષીને બચાવવામાં સફળ થયો હતો, પરંતુ અચાનક ઇલેક્ટ્રિક વાયરમાં શૉર્ટ સર્કિટ થતાં દિલીપ થાંભલા પરથી નીચે જમીન પર પટકાયો હતો જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો. તેણે પક્ષીનો જીવ તો બચાવી લીધો, પરંતુ પક્ષીને બચાવવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વાત પ્રસરતાં જ ગામવાસીઓ ભેગા થઈ ગયા હતા. દિલીપના અચાનક અવસાનથી તેના પરિવાર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો.’  
દિલીપના પરિવાર વિશે માહિતી આપતાં ગિરીશ શાહે કહ્યું હતું કે ‘દિલીપનો પરિવાર મજૂરી કરીને જીવનનિર્વાહ કરી રહ્યો છે. ‌દિલીપના પરિવારમાં પત્ની રેખા, પુત્ર બૉબી અને બેટી તુલસી છે. દિલીપના આકસ્મિક મૃત્યુથી રેખા પર બે બાળકોના જીવનનિર્વાહની જવાબદારી આવી ગઈ છે. આ પરિવારને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે અનેક દાતાઓ આગળ આવ્યા છે. અર્હમ ગ્રુપ તરફથી બે લાખ રૂપિયા, સમસ્ત મહાજન તરફથી એક લાખ રૂપિયા, ગુજરાતના ગૌસેવાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તરફથી ૧૧ હજાર રૂપિયા, શ્રી હિંસા વિરોધ સંઘ તરફથી ૨૧ હજાર રૂપિયા, અરુણ ઓઝા તરફથી ૧૫ હજાર રૂપિયા સહિત અત્યાર સુધીમાં દિલીપના પરિવાર માટે અંદાજે પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય મળી છે.’  
આ પરિવારને વધુમાં વધુ રકમની સહાય મળે એ માટે સમસ્ત મહાજને દાતાઓ અને જીવદયાપ્રેમીઓને અપીલ કરી છે કે તેઓ સમસ્ત મહાજનના ગિરીશ શાહનો ફોન-નંબર 98200 20976 પર સંપર્ક કરી શકે છે. 

Mumbai Mumbai News