કલ્યાણમાં એક અને બે મહિનાનાં બાળકોએ કોરોનાને હરાવ્યો

16 May, 2020 10:36 AM IST  |  Mumbai Desk | Agencies

કલ્યાણમાં એક અને બે મહિનાનાં બાળકોએ કોરોનાને હરાવ્યો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં જીવલેણ કોવિડ-૧૯ની બીમારીમાંથી સાજા થયેલા ૫૧ દરદીઓમાં બે શિશુનો પણ સમાવેશ થાય છે.

એક મહિનાની બાળકી અને બે મહિનાના બાળક સહિત કોવિડ-૧૯ના ૫૧ દરદીઓને જુદી-જુદી હૉસ્પિટલોમાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી એમ કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં પબ્લિક રિલેશન્સ ઑફિસર માધુરી ફોપલેએ જણાવ્યું હતું.
દરમિયાન થાણે જિલ્લામાં ગુરુવારે કોવિડ-૧૯ના કેસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. ૨૦૧ લોકોની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. આ સાથે જિલ્લામાં કેસોની સંખ્યા ૨૯૦૩ થઈ છે, જેમાંથી ૮૯૯ દરદીઓ સાજા થઈ ગયા છે જ્યારે ૮૭ દરદીનાં મોત નીપજ્યાં છે અને ૧૯૧૭ દરદીઓની સારવાર ચાલી રહી છે.
તાજેતરના આંકડા પ્રમાણે મોટા ભાગના નવા કેસો થાણે શહેર, નવી મુંબઈ, કલ્યાણ અને મીરા ભાઈંદર ખાતે નોંધાયા હતા. કોરોનાનો મૃત્યાંક પણ ૮૦થી વધીને ૮૭ થયો હતો, જેમાંથી પાંચ મોત થાણે શહેરમાં અને અન્ય બે મોત જિલ્લાના અન્ય ભાગોમાં નોંધાયાં હતાં.
ગાર્ડિયન મંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે સમીક્ષા બેઠક બોલાવી હતી, જે દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જિલ્લામાં કોરોનાના ૩૧ ટકા દરદીઓ ઇન્ફેક્શનમાંથી સાજા થઈ ચૂક્યા છે.
એક સંબંધિત ગતિવિધિમાં એનસીપીના શાહપુરના ધારાસભ્ય દૌલત દરોડા કોરોનાના દરદીના સંપર્કમાં આવ્યા બાદ તેમને ક્વૉરન્ટીન કરાયા હોવાનું જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્હાસનગરમાં એક જ કુટુંબના ૯ લોકોને કોરાનાનું સંક્રમણ થયું

સંબંધીના મૃત્યુ બાદ ડૉક્ટરોની સલાહ અવગણીને અંતિમક્રિયા માટે મૃતદેહને સ્નાન કરાવવાનું ભારે પડ્યું
ઉલ્હાસનગરના એક પરિવારના નવ સભ્યોની કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એક સગાના મૃત્યુ પછી તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ મળ્યો હતો. સગાના મૃત્યુની ઘટનાના એક અઠવાડિયા પછી નવ જણને કોરોના ઇન્ફેક્શન લાગ્યાનું તબીબી અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.
ઉલ્હાસનગર મહાનગરપાલિકાના પ્રવક્તા યુવરાજ બંધનેએ જણાવ્યું હતું કે ‘એ પરિવારના પચાસ વર્ષના સભ્ય ગઈ ૮ મેએ મૃત્યુ પામ્યા હતા. ૯ મેએ આપવામાં આવેલો તેમની કોરોના ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ હતો. મૃતકનો દેહ તેમના કુટુંબીજનોને પ્લાસ્ટિકના રૅપર સાથે સોંપવામાં આવ્યો હતો. પરિવારે મૃતકના અગ્નિસંસ્કાર વખતે તબીબોની સૂચનાઓનું પાલન કરવાની હૉસ્પિટલને લેખિત બાંયધરી આપી હતી. તેમને મૃતદેહની ઉપર લપેટેલું પ્લાસ્ટિકનું રૅપર ન કાઢવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ કુટુંબીજનોએ મૃતદેહ પર લપેટવામાં આવેલું પ્લાસ્ટિક કાઢીને સ્નાન કરાવવા સહિતની વિધિઓ અને ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી એના અંતિમ સંસ્કાર કર્યા હતા.
અગ્નિસંસ્કારમાં લગભગ ૭૦ જણ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એ ઘટનાની જાણકારી મળ્યા પછી પાલિકાના તબીબી અધિકારીઓએ સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા લોકોને શોધ્યા હતા. એ બધાની કોરોના ટેસ્ટ કરવામાં આવી હતી. ગઈ કાલે મળેલા ટેસ્ટ રિપોર્ટ્સમાં મૃતકના પરિવારના નવ સભ્યો કોરોના પૉઝિટિવ જણાયા હતા. એ બધાને આઇસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓની સૂચનાથી વિરુદ્ધ વર્તન કરવા બદલ સંબંધિત કુટંબીજનો સામે પોલીસ કેસ નોંધવાની કાર્યવાહી ચાલે છે. ઉલ્હાસનગરમાં કોરોના ઇન્ફેક્શનને કારણે મૃત્યુની સંખ્યા ૪ પર પહોંચી છે. અત્યાર સુધીનો ઉલ્હાસનગરનો કોરોના પૉઝિટિવ દરદીઓનો આંકડો ઉક્ત કુટુંબના ૧૦ જણ સહિત ૮૯ પર પહોંચ્યો છે.’

kalyan mumbai coronavirus covid19