એક નંબર-પ્લેટના બે ઓનર?

08 October, 2020 10:02 AM IST  |  Mumbai | Mumbai Correspondent

એક નંબર-પ્લેટના બે ઓનર?

કાંદિવલી રહેતી દીપાલી દોશીની ટૂ-વ્હીલરની નંબર-પ્લટ અને સિલ્વર રંગની બીજા ટૂ-વ્હીલર પર લગાવેલો તેનો જ નંબર.

ઑનલાઇન છેતરપિંડીના, ચોરીના બનાવો તો બને છે ત્યારે ટ્રાફિક-પોલીસને મિસગાઇડ કરવા જે-તે વાહનની નંબર-પ્લેટના નંબર કૉપી કરીને ફ્રૉડ કરનારાઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. નિયમનો ભંગ થાય તો ટ્રાફિક-પોલીસ વાહનની બોગસ નંબર-પ્લેટને જોઈને ફાઇન ઓનરને લગાવે અને ફ્રૉડ કરનારા બચી જાય.

તાજેતરમાં કાંદિવલીમાં રહેતી દીપાલી દોશી સાથે આવો બનાવ બન્યો હતો. દીપાલીને તાજેતરમાં મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં ટ્રાફિક-પોલીસ દ્વારા વિધાઉટ હેલ્મેટ હોવાથી ૫૦૦ રૂપિયાના ફાઇનનું ઈ-ચલાન મોકલવામાં આવ્યું હતું. ચલાનમાં જે સ્કૂટીનો ફોટો હતો એ તો દીપાલીનો નહોતો, પરંતુ સ્કૂટીની નંબર-પ્લેટનો નંબર દીપાલીના ટૂ-વ્હીલરના નંબર સાથે મૅચ થતો હતો. આથી દીપાલીએ ટ્રાફિક ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરીને ધ્યાન દોર્યું હતું.

દીપાલી દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઈ-ચલાન સાથે જે અટેચ્ડ ફોટો હતો એ નાગપાડા વિસ્તારની આસપાસ સિલ્વર કલરની ટૂ-વ્હીલર પર બુરખો પહેરીને લેડી બેઠી હતી એ ટૂ-વ્હીલરનો હતો. જે દિવસે ફાઇન માર્યો હતો એ દિવસે હું તો શંકર ગલીમાં સામાન લેવા ગઈ હતી અને હું તો હેલ્મેટ પહેર્યા વગર ટૂ-વ્હીલર ચલાવતી જ નથી. ડુપ્લિકેટ નંબર-પ્લેટ બાબતે ફરિયાદ કરવા હું પોલીસ-સ્ટેશન ગઈ તો ત્યાં મને કહ્યું કે તમે આરટીઓમાં જાઓ. આરટીઓમાં ગઈ તો તેઓએ મને એક ઈ-મેઇલ આઇડી આપ્યો હતો ત્યાં મેં મેઇલ કરી ફરિયાદ કરી હતી અને મને મેઇલનો રિસ્પૉન્સ આવ્યો હતો કે આ બાબતે અમે વહેલી તકે શોર્ટઆઉટ કરીશું.’

નાગપાડાના ટ્રાફિક વિભાગના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડુપ્લિકેટ નંબર-પ્લેટનો બનાવ કોઈની સાથે બને ત્યારે જ્યાં રહેતા હોય એ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાની સાથે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ કરવી પડે. ડુપ્લિકેટ નંબર-પ્લેટના બનાવ અગાઉ બની ચૂક્યા છે, કેટલીક વખત તો ફોર-વ્હીલરના નંબર-પ્લેટની ડુપ્લિકેટ નંબર-પ્લેટ ટૂ વ્હીલરમાં લગાવેલી હોય છે. આવી કોઈ ફરિયાદ અમને મળતાં અમે પોલીસ-સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન માટે મોકલી આપીએ છીએ.

mumbai mumbai news nagpada kandivli