બર્ડ ફ્લુની હેલ્પલાઇન પર આવતા કૉલ્સની સંખ્યા બમણી થઈ

15 January, 2021 11:55 AM IST  |  Mumbai | Mumbai correspondent

બર્ડ ફ્લુની હેલ્પલાઇન પર આવતા કૉલ્સની સંખ્યા બમણી થઈ

પ્રતીકાત્મક તસવીર

નિષ્ણાતો બર્ડ ફ્લુથી ન ડરવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ બર્ડ ફ્લુની જાણ કરવા માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન શરૂ કર્યાના બીજા જ દિવસે કૉલની સંખ્યા બમણી થઈ ગઈ હતી.
બીએમસીએ શહેરના નાગરિકોને બર્ડ ફ્લુ વિશે કોઈ પૂછપરછ કરવા કે ફરિયાદ કરવા કે પક્ષીઓનાં મૃત્યુ વિશેની જાણકારી આપવા હેલ્પલાઇનના 1916 નંબર પર ફોન કરવાનું જણાવ્યું છે. મંગળવારે શરૂ કરાયેલા આ હેલ્પલાઇન-નંબર પર મંગળવારથી જ ફોન આવવાની શરૂઆત થઈ હતી. બુધવારે સાંજે ૭ વાગ્યા સુધીમાં બીએમસીને લગભગ ૧૭૦ કૉલ મળ્યા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગને વધુ ૩૫૬ કૉલ્સ મળ્યા હતા. આમાંના ઘણા કૉલ્સ એકથી વધુ વખત આવ્યા હોઈ શકે છે. તમામ કૉલ્સને સંબંધિત વૉર્ડ-ઑફિસમાં ડાઇવર્ટ કરવામાં આવ્યા છે એમ જણાવતાં એક અધિકારીએ કહ્યું હતું કે કૉલ્સ વિશે અમારી પાસે કોઈ માહિતી નથી.
બીએમસીએ શહેરના નાગરિકો માટે એક ઍડ્વાઇઝરી બહાર પાડી લોકોને કોઈ પણ મૃત પક્ષીને હાથ ન લગાડવાનું જણાવ્યું છે તેમ જ ચિકન કે ઈંડા જેવી કોઈ પણ પોલ્ટ્રી પ્રોડક્ટને હાથ લગાડ્યા બાદ હાથ સરખી રીતે ધોવા તેમ જ માંસને વ્યવસ્થિત રીતે પકાવીને જ ખાવા જણાવ્યું છે.

mumbai mumbai news