બ્રેસ્ટ-કૅન્સર સારવાર માટેનું નવું ઇન્જેક્શન ટ્રીટમેન્ટનો સમયગાળો ૯૦ ટકા ઘટાડશે

14 May, 2022 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવી દવા પીએચઈએસજીઓના ઉપયોગથી સારવારનો ખર્ચ પણ લગભગ ૨૦ ટકા જેટલો ઘટશે એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. આ દવાનો ઉપયોગ કરવાથી પેશન્ટોએ ક્લિનિકમાં વિતાવવાનો સમય ઓછો થશે. 

પ્રતીકાત્મક તસવીર

બ્રેસ્ટ-કૅન્સરના પેશન્ટો અને તેમના પરિવારજનો માટે ટ્રીટમેન્ટના સમયગાળામાં ૯૦ ટકા જેટલો ઘટાડો થાય એવા રાહતના સમાચાર છે. મલ્ટિનૅશનલ ડ્રગ ઉત્પાદક કંપની રોશ ફાર્માએ એક જ ઇન્જેક્શન દ્વારા આપી શકાય એવી રીતે બે મોનોક્લોનલ ઍન્ટિ-બૉડીઝને સંયુક્ત કરી છે. પરજેટા (પેર્ટુઝુમાબ) અને હેરસેપ્ટિન (ટ્રાસ્ટુઝુમાબ)નું  હાયલ્યુરોનિડેઝ સાથે સંયોજન કરીને તૈયાર કરવામાં આવેલી આ નવી દવા પીએચઈએસજીઓના ઉપયોગથી સારવારનો ખર્ચ પણ લગભગ ૨૦ ટકા જેટલો ઘટશે એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. આ દવાનો ઉપયોગ કરવાથી પેશન્ટોએ ક્લિનિકમાં વિતાવવાનો સમય ઓછો થશે. 
પીએચઈએસજીઓ દવાને સૌપ્રથમ જૂન ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીનું સંક્રમણ એની ચમરસીમાએ હતું ત્યારે યુએસ ડ્રગ કન્ટ્રોલર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ભારતમાં ઑક્ટોબર ૨૦૨૧માં ડ્રગ રેગ્યુલેટર દ્વારા આ દવાને માન્યતા આપવામાં આવી હતી તથા જાન્યુઆરી ૨૦૨૨માં એના ઇમ્પોર્ટ લાઇસન્સને મંજૂરી આપવામાં આવી હતી.

Mumbai mumbai news