Election 2022: ભાજપને ટક્કર આપનારી પાર્ટીનો સાથ આપશે NCP-શરદ પવાર

14 January, 2022 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું કહેવું છે કે તે એવી પાર્ટીને સમર્થન આપશે જે ઉત્તર પ્રદેશ (UP) સહિત અન્ય રાજ્યોમાં ભાજપને હરાવી શકે અથવા તેની સાથે સ્પર્ધા કરી શકે. 

શરદ પવાર (ફાઈલ ફોટો)

મુંબઈ: ઉત્તર પ્રદેશ ચૂંટણી (UP Election 2022)ને લઈ ધમાસાણ શરૂ થઈ ગઈ છે.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું કહેવું છે કે તે એવી પાર્ટીને સમર્થન આપશે જે ઉત્તર પ્રદેશ (UP) સહિત અન્ય રાજ્યોમાં ભાજપને હરાવી શકે અથવા તેની સાથે સ્પર્ધા કરી શકે. 

પાર્ટી પ્રમુખ શરદ પવાર(Sharad Pawar)એ ગુરુવારે પુનરોચ્ચાર કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ છોડનારા ધારાસભ્યોની સંખ્યા વધતી રહેશે. બીજી તરફ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કોંગ્રેસ હવે નબળી થઈ ગઈ છે. અમે જોયું છે કે 1990 પછી કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં નબળી પડી રહી છે. આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોંગ્રેસ એકલી લડે છે, ત્યારે તેના દ્વારા મતોના વિભાજનથી ભાજપને ફાયદો થાય છે. એનસીપી પ્રમુખ શરદ પવાર ઈચ્છે છે કે જે પક્ષો ભાજપને હરાવી શકે છે અથવા સ્પર્ધા આપી શકે છે તેઓ એક સાથે આવે. તેથી ઉત્તર પ્રદેશમાં અમે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે.

સપાએ હાલમાં ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં અનૂપ શહર વિધાનસભા સીટ NCPને આપવાનો નિર્ણય કર્યો છે. અન્ય બેઠકો માટે એનસીપી નેતા પ્રફુલ પટેલ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે વાતચીત ચાલી રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે મંગળવારે સપા સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં ભાજપના 13 ધારાસભ્યો સપામાં જોડાશે. 

ગુરુવારે ફરી પત્રકારો સાથે વાતચીત શરદ પવારે કહ્યું હતું કે 15 દિવસ પહેલા ભાજપના નેતાઓ કહી રહ્યા હતા કે તેઓ સત્તામાં પાછા આવી રહ્યા છે. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે. જેઓ કેબિનેટમાં છે તેઓ પણ પાર્ટી છોડી રહ્યા છે. આવું જ ચિત્ર ગોવામાં પણ જોવા મળે છે. શરૂઆત થઈ ગઈ છે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગશે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિવસેના(Shiv sena)પણ સક્રિય થઈ ગઈ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે શિવસેના ઉત્તર પ્રદેશમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધનનો ભાગ નહીં બને. સમાજવાદી પાર્ટી સાથે અમારો વૈચારિક મતભેદ છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે રાજ્ય બદલાય. અમે યુપીમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ. પરંતુ તેઓ ભાજપને નુકસાન પહોંચાડવા માંગતા ન હોવાથી ચૂંટણી લડી ન હતી. 

નોંધનીય છે કે આ પહેલા બુધવારે રાઉતે કહ્યું હતું કે શિવસેના યુપીમાં 50-100 સીટો પર વિધાનસભા ચૂંટણી લડશે. શિવસેના નેતા સંજય રાઉત આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.

sharad pawar assembly elections nationalist congress party mumbai news