એનસીપીએ પાંચ નગરસેવકોને શિવસેનાને પાછા આપ્યા

09 July, 2020 05:47 PM IST  |  Mumbai Desk | Dharmendra Jore

એનસીપીએ પાંચ નગરસેવકોને શિવસેનાને પાછા આપ્યા

પારનેર મહાનગરપાલિકાના નગરસેવકો સાથે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સેક્રેટરી મિલિંદ નાર્વેકર.

અહમદનગર જિલ્લાના પારનેર શહેરની નગરપાલિકાના શિવસેનાના પાંચ નગરસેવકો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાયાને એક અઠવાડિયું પૂરું થાય એ પહેલાં એ પાંચ જણ સ્વગૃહે પાછા ફર્યા છે. ગયા શનિવારે બારામતીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની હાજરીમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાયેલા નગરસેવકો પક્ષમાં પાછા ફર્યા હોવાનું શિવસેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયે મુંબઈના દસ નાયબ પોલીસ-કમિશનરોની બદલીના ગૃહપ્રધાન અનિલ દેશમુખ (રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ)ના આદેશને ત્રણ દિવસોમાં બદલવા અને શિવસેનાના પારનેરના પાંચ નગરસેવકોના પક્ષપલટાને મુદ્દે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોમાં મતભેદોનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો હતો. એ નગરસેવકોની ત્રણ દિવસોમાં ઘરવાપસી પણ ચર્ચાસ્પદ બની છે. શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાંચ નગરસેવકોના પક્ષપલટા માટે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ તરફ નારાજગી પણ દર્શાવી હતી.
પારનેરના કૉર્પોરેટરોના પક્ષાંતર મામલે શિવસેનાએ કડક વલણ અપનાવતાં આ સપ્તાહની શરૂઆતમાં એનસીપીમાં ગયેલા તમામ ફરી પાછા શિવસેનામાં જોડાયા છે. ઉદ્ધવ ઠાકરેએ આ મામલે પોતાના પર્સનલ સેક્રેટરી અને પાર્ટી સેક્રેટરી મિલિંદ નાર્વેકર મારફત એનસીપીને કડક ભાષામાં સંદેશો આપ્યો હતો. નાર્વેકર આ મામલે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને મળ્યા હતા. આમ તેમની કોઈ પણ શરત વિના ઘરવાપસીનો માર્ગ મોકળો થયો હતો. અજિત પવારે ખુલાસો આપતાં કહ્યું હતું કે આ તમામ નગરસેવકો સ્થાનિક નેતાગીરીથી નારાજ હતા. જો એનસીપીમાં નહીં તો બીજેપીમાં તેઓ જોડાવાના હતા.
પક્ષપલટો કરનારા પાંચ નગરસેવકો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય નીલેશ લંકે અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સ્થાનિક નેતા ભાઉસાહેબ કોરેગાંવકર સાથે ગઈ કાલે શિવસેનાના પક્ષપ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના બાંદરાના નિવાસસ્થાન માતોશ્રી બંગલો ખાતે મળ્યા હતા. એ પાંચ નગરસેવકો શિવસેનામાં પાછા જોડાયા હતા અને ઉદ્ધવ ઠાકરેએ તેમની ફરિયાદો-સમસ્યાઓના નિકાલ લાવવાની બાંયધરી આપી હતી.
નગરસેવક મુદસ્સર સૈયદે જણાવ્યું હતું કે ‘અમને શિવસેનાના સ્થાનિક નેતૃત્વ સામે વાંધા છે. અમારા ક્ષેત્રની પાણી પુરવઠાની સમસ્યા ઉકેલાતી નથી. એથી અમે સ્થાનિક વિધાનસભ્ય નીલેશ લંકેના નેતૃત્વમાં કામ કરવાનું નક્કી કર્યું હતું.’
અગાઉ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવાર ઉદ્ધવ ઠાકરેને તેમના બાંદરાના નિવાસસ્થાન માતોશ્રી બંગલે મળ્યા હતા.’

mumbai mumbai news dharmendra jore