પાલિકા સમગ્ર રાજ્યમાં આપશે ફ્રી ઑનલાઇન એજ્યુકેશન

18 September, 2020 08:44 AM IST  |  Mumbai | Pallavi Smart

પાલિકા સમગ્ર રાજ્યમાં આપશે ફ્રી ઑનલાઇન એજ્યુકેશન

પ્રતીકાત્મક તસવીર

બીએમસીએ રાજ્યના તમામ સ્ટુડન્ટ્સ માટે નિઃશુલ્ક ઑનલાઇન શિક્ષણ સુવિધા શરૂ કરી છે. હવે મહારાષ્ટ્રનો કોઈ પણ સ્ટુડન્ટ પાલિકા દ્વારા પૂરી પડાતી ઑનલાઇન શિક્ષણ સુવિધામાં પ્રવેશ મેળવી શકશે. ઝૂમ ક્લાસિસ દ્વારા લેક્ચર્સમાં હાજરી આપી શકશે તેમ જ યુટ્યુબ વિડિયો દ્વારા શીખીને શિક્ષણ પૂર્ણ થયા પછી સર્ટિફિકેટ પણ મેળવી શકશે.
આઇડિયા પાછળનો મૂળ હેતુ કોરોના વાઇરસની મહામારીમાં શિક્ષણથી વંચિત રહેલા સ્ટુડન્ટ્સને સારું શિક્ષણ પૂરું પાડવાનો છે. હાલમાં બીએમસી રાજ્યના બોર્ડ ઉપરાંત સીબીએસઈ અને આઇસીએસઈ બોર્ડના અભ્યાસક્રમ માટે પણ શિક્ષણ સેવા આપી રહી છે. આ સંબંધે મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે એક નોટિફિકેશન ઇશ્યુ કર્યું હતું. વાલીઓ બીએમસીની સત્તાવાર વેબસાઇટ પરથી સુવિધામાં ઍડ્મિશન મેળવી શકશે. ઍડ્મિશન મળતાં જ સ્ટુડન્ટ્સને લૉગઇન આઇડી આપવામાં આવશે, જેની સહાયથી તે ઝૂમ ક્લાસિસ ભરી શકશે. જોકે યુટ્યુબ વિડિયો ક્લાસિસ દરેક વિદ્યાર્થી માટે ઉપલબ્ધ રહેશે. આ સુવિધા પહેલાથી દસમા ધોરણના સ્ટુડન્ટ્સ માટે મરાઠી, અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ એમ ચાર ભાષામાં ઉપલબ્ધ રહેશે. કોરોના વાઇરસની મહામારીમાં શિક્ષણથી વંચિત રહેલા રાજ્યના જરૂરતમંદ સ્ટુડન્ટ્સ માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ઑનલાઇન ઍડ્મિશનથી સ્ટુડન્ટ્સ ઑનલાઇન શિક્ષણ મેળવી, પરીક્ષા આપીને સર્ટિફિકેટ મેળવી શકશે, એમ બીએમસીના શિક્ષણ અધિકારી મહેશ પાલકરે જણાવ્યું હતું. કાર્ય માટે ૩૯૬ ટીચર્સ પસંદ કરવામાં આવ્યા છે, જે દરેક સ્ટુડન્ટને એક અઠવાડિયા કે પછી ૧૫ દિવસમાં એક વિભાગ શીખવશે. આ ઉપરાંત ૪૦ સભ્યોની એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જે ઑપરેટિંગ ચૅનલ્સ અને એને સંબંધિત અન્ય વહીવટી કાર્યો કરશે.

mumbai mumbai news pallavi smart