મેટ્રો રખડશે અને એની કિંમત મુંબઈના લોકોએ ચૂકવવી પડશે : દેવેન્દ્ર ફડણવીસ

04 September, 2020 11:46 AM IST  |  Mumbai | Dharmendra Jore

મેટ્રો રખડશે અને એની કિંમત મુંબઈના લોકોએ ચૂકવવી પડશે : દેવેન્દ્ર ફડણવીસ

ગોરેગામના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી જ આરેની લીલોતરી નજરે પડે છે. તસવીર : સતેજ શિંદે

આરે કૉલોનીના 600 એકરના ક્ષેત્રને જંગલ તરીકે આરક્ષિત કરવાના રાજ્ય સરકારના પગલાની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આકરી ટીકા કરી હતી. સોમવારે વિધાન મંડળના સત્રના આરંભના જૂજ દિવસો પહેલાં રાજ્ય સરકારે આ નિર્ણય વ્યક્તિઓનાં અંગત હિતો-લાભોને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ફડણવીસે ‘ઉચિત સમયે’ આ નિર્ણયના લાભાર્થીઓનાં નામોનો ભંડાફોડ કરવાની પણ જાહેરાત કરી હતી. 

600 એકર જમીન જંગલ ખાતાને સોંપી દેવાના રાજ્ય સરકારના નિર્ણયને પગલે મેટ્રો-થ્રી પ્રોજેક્ટનો કાર શેડ બીજા સ્થળે ખસેડવો અનિવાર્ય બનશે. દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મેટ્રો રેલવેનો કાર ડેપો જ્યાં બંધાવાનો હોય એ જમીન જંગલ ખાતાને સોંપી દેવાનો નિર્ણય અયોગ્ય છે. એ નિર્ણયને કારણે કેટલીક વ્યક્તિઓને લાભ થશે. એ જમીનો એ વ્યક્તિઓની ઝોળીમાં પડવાની છે. મેટ્રો રેલવેના કાર શેડ પ્રોજેક્ટને ગ્રીન ટ્રિબ્યુનલ અને સર્વોચ્ચ અદાલતે પણ મંજૂરી આપી હતી. મેટ્રો–થ્રી પ્રોજેક્ટ વિલંબમાં પડશે અને એને કારણે એની કિંમતમાં વૃદ્ધિનો બોજ મુંબઈના નાગરિકોના માથે પડશે.’
અગાઉ અદાલતમાં પર્યાવરણવાદીઓએ કહ્યું હતું કે આરે કૉલોનીની જગ્યા મહેસૂલ ખાતાની માલિકીની નહીં પણ પચાસ વર્ષો પહેલાં જંગલ ખાતાને ફાળવાયેલી સંજય
ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અખત્યારની જમીન છે. એ દાવા સંબંધી જૂના રેકૉર્ડ્સ ઉપલબ્ધ નહીં હોવાનું જણાવતાં જંગલ ખાતાએ પર્યાવરણવાદીઓનો દાવો ફગાવી દીધો હતો.

mumbai mumbai news mumbai metro devendra fadnavis