જુલાઈ મુંબઈને ફળ્યો છે

31 July, 2021 08:25 AM IST  |  Mumbai | Prajakta Kasale

છેલ્લા ૧૫ મહિનામાં સૌથી ઓછા કેસ જુલાઈમાં નોંધાયા, પણ મરણાંક હજીય સત્તાવાળાઓને ચિંતા કરાવી રહ્યો છે

જુલાઈમાં દૈનિક ૩૨,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી હતી. આશિષ રાજે

જુલાઈ મહિનામાં છેલ્લા ૧૫ મહિનાના સૌથી ઓછા નવા કોવિડના કેસ નોંધાયા છે. જોકે શ્વાસની તકલીફને કારણે થતી આ બીમારીમાં મરણાંક હજી ચિંતાજનક સ્તરે છે. 
જુલાઈમાં સરેરાશ દૈનિક કેસ લગભગ ૪૫૦ જેટલા રહ્યા છે, જે જાન્યુઆરીમાં પહેલી લહેર દરમ્યાન નોંધાયેલા કેસ કરતાં પણ ઓછા છે. જાન્યુઆરીમાં દૈનિક ૫૧૬ કેસ નોંધાયા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં બીજી લહેરના આગમન સમયે ૬૨૪ દૈનિક કેસ નોંધાયા હતા. જોકે જુલાઈમાં નવા કોવિડ કેસનો આંકડો નીચો રહ્યો હતો. જેમ કે ૨૬ જુલાઈએ કુલ ૨૯૯ દૈનિક કેસ નોંધાયા હતા. 
જોકે કોરોનાવાઇરસના સંક્રમણને કારણે થતાં દૈનિક મૃત્યુનો આંક સતત ઊંચો જઈ રહ્યો હતો. ૧ જુલાઈથી ૨૯ જુલાઈ દરમ્યાન શહેરમાં કુલ ૩૩૬ દૈનિક મૃત્યુ નોંધાયાં હતાં, જે ફેબ્રુઆરીમાં નોંધાયેલાં કુલ મરણ કરતાં લગભગ ત્રણગણા હતાં. 
ફેબ્રુઆરી સુધી શહેરમાં કુલ ૯૬૯૦ જેટલાં કોવિડ-19 મૃત્યુ નોંધાયાં હતાં, જ્યારે માર્ચ અને ૨૯ જુલાઈ દરમ્યાનના સમયગાળામાં ૫૭૮૨ મૃત્યુ નોંધાયાં હતાં જે બીજી લહેરમાં થયેલાં મૃત્યુનો સત્તાવાર આંકડો ગણી શકાય. એપ્રિલ અને મે મહિનામાં ૧૫૦૦ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મરણાંક ધીમે-ધીમે ઘટી રહ્યો હોવા છતાં જુલાઈ મહિનામાં એ દૈનિક ૧૨ આસપાસ નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં સરેરાશ દૈનિક ૪ મૃત્યુ નોંધાયાં હતાં. હાલના તબક્કે શહેરમાં ૫૨૨ ગંભીર પેશન્ટ છે જેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમથી સારવાર મેળવી રહ્યા છે. 
પ્રથમ લહેરમાં કોવિડ કેસની સંખ્યા સતત વધી રહી હતી. જોકે મરણાંક એક ટકા જેટલો રહ્યો હતો જે અન્ય જિલ્લાની તુલનાએ નીચો હતો. 
બીએમસીએ મરણાંક કાબૂમાં લાવવા વિવિધ પગલાં લીધાં હતાં તથા અનેક ગંભીર પેશન્ટો પણ સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા હતા જે એક પૉઝિટિવ ચિહ્ન છે એમ બીએમસીના અૅડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. 
જુલાઈ મહિનામાં ખાનગી અને સરકારી લૅબોરેટરીમાં મળીને દૈનિક ૩૨,૦૦૦  (આરટી-પીસીઆર અને ઍન્ટિજન સહિત) ટેસ્ટ કરાઈ હતી. કુલ ટેસ્ટિંગનો આંકડો ૯ લાખને પાર પહોંચ્યો હતો. 

 

Mumbai prajakta kasale mumbai news