આ વર્ષના અંત સુધીમાં તૈયાર થનારો લોઅર પરેલ બ્રિજ હવે ૨૦૨૩માં બનશે

14 October, 2021 08:38 AM IST  |  Mumbai | Chetna Sadadekar

રેલવેએ લોખંડના સળિયા ગોઠવવાના બાકી હોવાથી ડિલાઇલ રોડ બ્રિજ પર બીએમસી દ્વારા થનારી કામગીરી ખોરંભે ચડી છે

આ વર્ષના અંત સુધીમાં તૈયાર થનારો લોઅર પરેલ બ્રિજ હવે ૨૦૨૩માં બનશે

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લોઅર પરેલ બ્રિજ પૂરો કરવાની ડેડલાઇનને જાન્યુઆરી ૨૦૨૩ કરવામાં આવતાં બ્રિજ પૂરો થવામાં હજી એક વર્ષ નીકળી જવાનું છે. આ બ્રિજનું કામ ૨૦૨૧ના અંત કે ૨૦૨૨ની શરૂઆત સુધી પૂરું થવાની અપેક્ષા હતી. ૯૮ વર્ષ જૂનો આ બ્રિજ ૨૦૧૮માં તોડી પાડવામાં આવ્યો હતો. બીજા મહત્ત્વના માર્ગ સમાન હૅન્કૉક બ્રિજનું કામ પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે.
બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી રેલવે દ્વારા લોખંડના સળિયા ગોઠવવામાં નથી આવતાં ત્યાં સુધી અમે કશું કરી શકીએ એમ નથી. મૂળ આયોજન પ્રમાણે બીએમસી દ્વારા અપ્રોચ રોડ અને વેસ્ટર્ન રેલવે દ્વારા બ્રિજ એક જ સમયે સાથે બનાવવામાં આવનાર હતા.’ 
ડિલાઇલ રોડ બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ પશ્ચિમમાં લોઅર પરેલ, વરલી અને પ્રભાદેવી તથા પૂર્વમાં કરી રોડ, લાલબાગ અને ભાયખલાને જોડતો મહત્ત્વનો માર્ગ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લોખંડના સળિયા બેસાડવામાં હજી સાત-આઠ મહિના જેટલો સમય વીતી જશે. અપ્રોચ રોડનું કામ પૂરું કરવામાં પાલિકાને એ પછી વધુ સાતથી આઠ મહિના લાગશે. આને કારણે પ્રોજેક્ટની કિંમત પણ પાંચથી ૧૦ ટકા વધીને ૧૩૮ કરોડ રૂપિયા પર પહોંચશે. બીએમસીના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘કોરોનાને લીધે ઘણો સમય ખર્ચાયો છે. કામ કરવાની પરવાનગી હતી ત્યારે મજૂરો નહોતા. જોકે હવે મજૂરો પાછા આવ્યા હોવાથી અમે કામને ઝડપથી કરી રહ્યા છીએ. આ બ્રિજ માટે એન. એમ. જોશી 
માર્ગ પર બે અને ગણપતરાવ કદમ માર્ગ પર એક એમ કુલ ત્રણ એન્ટ્રી-એક્ઝિટ હશે.’

Mumbai mumbai news