20 January, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર વળવી, પ્રિયદર્શની ઠાકરે
રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી ગયા ગુરુવારે યોજાઈ ગઈ અને શુક્રવારે એનાં પરિણામ પણ જાહેર થઈ ગયાં. જોકે મેયરપદના અનામતની લૉટરી જ ન થઈ હોવાથી આગળની પ્રક્રિયા અટકી ગઈ છે. રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જેના એકનાથ શિંદે પ્રધાન છે એ મેયરની અનામતની લૉટરી કાઢતું હોય છે. ગઈ કાલે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ૨૯ મહાનગરપાલિકામાં મેયર કઈ કૅટેગરીનો થશે એની લૉટરી ગુરુવારે મંત્રાલયમાં સવારે ૧૧ વાગ્યે યોજી છે એવી જાહેરાત કરી હતી. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના રાજ્ય પ્રધાન માધુરી મિસાળની અધ્યક્ષતામાં આ પ્રક્રિયા પાર પડશે.
કૉર્પોરેશનના મેયર છેલ્લે જે અનામત કૅટેગરીના હોય એ કૅટેગરીને બાજુએ રાખીને બાકીની કૅટેગરીની ચિઠ્ઠી તૈયાર કરવામાં આવશે. ઓપન કૅટેગરી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. એ ઉપરાંત દરેક કૅટેગરીમાં મહિલા કૅટેગરીની પણ ચિઠ્ઠી હશે. આ બધી ચિઠ્ઠીઓ ટ્રાન્સપરન્ટ બૉક્સમાં નાખીને પછી એમાંથી એક-એક ચિઠ્ઠી બહાર કાઢી અનામત જાહેર કરવામાં આવશે.
શિવસેના (UBT)ને મેયરપદની લૉટરી લાગી શકે
BMCના મેયરની આ લૉટરીમાં જો SC કે ST કૅટેગરી આવે તો શિવસેના (UBT)ને ઍડ્વાન્ટેજ મળી શકે એમ છે. ચૂંટણીમાં અનુસૂચિત જાત અને અનુસૂચિત જનજાતિ (SC-ST) માટે એક-એક બેઠક હોય છે. BMCની આ વખતની ચૂંટણીમાં એ બે અનામત બેઠકો વૉર્ડ-નંબર ૫૩ ને ૧૨૧ને ફાળે ગઈ હતી, જેમાં મોટા ભાગના બધા જ પક્ષોએ તેમના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જોકે બન્ને વૉર્ડમાં શિવસેના (UBT)ના ઉમેદવારો જીતી આવ્યા છે. વૉર્ડ-નંબર ૫૩માંથી જિતેન્દ્ર વળવી જ્યારે ૧૨૧માંથી પ્રિયદર્શની ઠાકરેનો વિજય થયો છે. જો લૉટરીમાં આ કૅટેગરીમાંથી મેયરનું સિલેક્શન આવ્યું તો ઠાકરેને ખરેખર લૉટરી લાગે એવી શક્યતાઓ ઊભી થઈ છે.