Mumbai Short News: લોકલ ટ્રેન વરસાદ વચ્ચે દોડતી રહી

06 July, 2022 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સહિતના વિસ્તારોમાં ગઈ કાલે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની લોકલ સર્વિસને અમુક અંશે અસર થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

લોકલ ટ્રેન વરસાદ વચ્ચે દોડતી રહી

મુંબઈ : મુંબઈ સહિતના વિસ્તારોમાં ગઈ કાલે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની લોકલ સર્વિસને અમુક અંશે અસર થઈ હતી. વેસ્ટર્ન તો સમયસર હતી, પણ સેન્ટ્રલ અને હાર્બર લોકલ દસથી પંદર મિનિટ મોડી દોડી રહી હતી જેને કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બપોરથી પડેલા વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરિણામે મોટરમૅનને લોકલ ચલાવવામાં મુશ્કેલી પડી હોવાથી સ્પીડ ધીમી હતી. પરિણામે લોકલનું ટાઇમટેબલ ખોરવાઈ ગયું હતું. ગઈ કાલે સેન્ટ્રલ રેલવેમાં સીએસએમટીથી કલ્યાણ, હાર્બર, થાણેથી પનવેલ ટ્રાન્સ-હાર્બર વરસાદને કારણે પંદર મિનિટ મોડી દોડી રહી હતી. પરિણામે લોકલ ટ્રેનોમાં ભીડ જોવા મળી હતી. કુર્લા, વિદ્યાવિહાર, સાયન સહિત સેન્ટ્રલ રેલવેનાં કેટલાંક સ્ટેશનોની બહાર પણ ટ્રૅક પર પાણી ભરાઈ ગયાં હતાં.

પ્લાસ્ટર ઑફ પૅરિસથી બનેલી ગણેશ પ્રતિમાઓનું  કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરવું પડશે : બીએમસી

મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈ સુધરાઈએ ગઈ કાલે કહ્યું હતું કે પ્લાસ્ટર ઑફ પૅરિસથી બનેલી ગણેશ પ્રતિમાઓનું માત્ર કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરી શકાશે. સોમવારે બહાર પાડવામાં આવેલી એક પ્રેસ-રિલીઝમાં જણાવ્યું હતું કે આ વર્ષે સ્પેશ્યલ કેસ તરીકે જ પ્લાસ્ટર ઑફ પૅરિસમાંથી બનેલી મૂર્તિઓને બનાવવા તેમ જ વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે. ૨૦૨૩થી સુધરાઈની હદમાં પ્લાસ્ટર ઑફ પૅરિસથી બનેલી મૂર્તિઓના નિર્માણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગયા મહિને સુધરાઈએ ગણેશ ઉત્સવ પહેલાં તમામ પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ પર પ્રતિબંધની ઘોષણા કરી હતી, પરંતુ સોમવારે સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ સાથેની બેઠક બાદ સુધરાઈએ એના નિર્ણયમાંથી પીછેહઠ કરી હતી તેમ જ આવતા વર્ષથી પ્રતિબંધ લાદવાની વાત કરી હતી. આવ‍તા વર્ષથી માત્ર માટીમાંથી બનેલી મૂર્તિઓનું જ ખરીદ-વેચાણ થઈ શકશે. 

મેરા પિયા ઘર આયા...


૨૦ દિવસ બાદ ઘરે પાછા આવેલા એકનાથ શિંદે ગ્રુપના માગાથાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે ગઈ કાલે પુત્ર રાજ, પુત્રી પૂજા અને પત્ની લલિતા સાથે બોરીવલી (વેસ્ટ)માં આવેલા તેમના ઘરે લંચ લઈ રહ્યા હતા. (તસવીરઃ નિમેશ દવે)

mumbai news mumbai local train mumbai rains