આખરે કળંબોલી વેરહાઉસ કૉર્પોરેશનને લૉકડાઉનમાંથી મુક્તિ મળી

20 July, 2020 11:40 AM IST  |  Mumbai | Mumbai correspondent

આખરે કળંબોલી વેરહાઉસ કૉર્પોરેશનને લૉકડાઉનમાંથી મુક્તિ મળી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ફૅક્ટરીઓ અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સહિત અનેક ઇન્ડસ્ટ્રીમાં લોખંડ અને સ્ટીલની સપ્લાય કરતા હોલસેલ વેપારીઓનાં ગોડાઉન નવી મુંબઈના કળંબોલીના પનવેલ મહાનગરપાલિકામાં છે. બને છે એવું કે હવે કોરોનાને કારણે પનવેલ પાલિકા વારંવાર લૉકડાઉન જાહેર કરે છે, જેને કારણે કળંબોલીમાં આવેલા કળંબોલી વેરહાઉસ કૉર્પોરેશનમાં પણ લૉકડાઉન થઈ જતું હોવાથી વેપારીઓને ખાસ્સું નુકસાન જતું હતું એથી તેમના અસોસિએશન ડિસ્મા દ્વારા આ બાબતે ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)ને જાણ કરી સરકારમાં રજૂઆત કરીને આ હાડમારીનો અંત લાવવા વિનંતી કરાઈ હતી.
ફામ દ્વારા આ બાબતે સતત પ્રયાસ કરાયા હતા, એટલું જ નહીં, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત પનવેલ મ્યુનિસિપલ કમિશનર, રાજ્યના ઇન્ડસ્ટ્રી ઍન્ડ માઇનિંગ મિનિસ્ટર સુભાષ દેસાઈ અને અદિતિ સુનીલ તટકરેને પત્ર લખીને સાચી હકીકત જણાવીને કળંબોલી વેરહાઉસ કૉર્પોરેશનને લૉકડાઉનમાંથી મુક્તિ આપવા વિનંતી કરાઈ હતી.
ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ કહ્યું હતું કે ‘કળંબોલીમાં આવેલા કળંબોલી વેરહાઉસ કૉર્પોરેશનમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આયર્ન અને સ્ટીલ સપ્લાય કરતા વેપારીઓનાં ગોડાઉન આવેલાં છે. આ ગોડાઉનમાં લોખંડ અને સ્ટીલનો હેવી સામાન રાખવામાં આવે છે. વેપારીઓ દ્વારા માલનો ઑર્ડર ઈ-મેઇલથી કે ફોન પર લેવાય છે અને અહીંથી માત્ર એની ડિલિવરી કરાય છે. વળી એ હેવી માલની હેરફેર કરવા ક્રેન અને ફોર્ક લિફ્ટનો ઉપયોગ કરાય છે, એમાં મજૂરોની જરૂરિયાત રહેતી નથી એથી ઓછામાં ઓછા માણસો સાથે એ કાર્યવાહી પાર પડતી હોય છે. વળી કસ્ટમરો પણ ત્યાં માલ જોવા આવતા નથી, એથી ભીડ થતી નથી. વળી છેલ્લા ૩ મહિનાથી તો લૉકડાઉનને કારણે ધંધા બંધ જ હતા, પણ હવે જ્યારે એ લૉકડાઉન ખૂલ્યું છે ત્યારે પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના લૉકડાઉનમાંથી એને મુક્તિ આપવામાં આવે. કળંબોલી વેરહાઉસ કૉર્પોરેશનને લૉકડાઉનમાંથી બાકાત રાખવામાં આવે.
ફામની આ સતત રજૂઆતને લઈને પનવેલના ડીસીપી પ્રકાશ ગાયકવાડે શનિવારે કળંબોલી વેરહાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં ફામના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહ અને ડિસ્માના કમિટી મેમ્બર્સ હિતેશ બારભાયા, પરેશ દવે અને રાજેશ રવેસિયાએ તેમને માહિતી આપી કઈ રીતે ત્યાં ઍક્ટિવિટી થાય છે એ જણાવ્યું હતું. ડીસીપી પ્રકાશ ગાયકવાડને એ કાર્યવાહી સંતોષજનક લાગતાં અને ફામની વિનંતી યોગ્ય લાગતાં સોમવારથી ગુરુવાર સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધી કળંબોલી વેરહાઉસ કૉર્પોરેશન ખુલ્લું રાખવાની પરવાનગી આપી છે. આમ ફામના સતત ફૉલોઅપને કારણે આખરે વેપારીઓને લૉકડાઉનમાંથી આઝાદી મળી છે.

mumbai mumbai news