19 October, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-ઈસ્ટના નાગરી નિવારા વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની છોકરીએ દોઢ વર્ષની નાની બાળકીને ઊંચકીને તેમની હાઉસિંગ સોસાયટીના ડક્ટમાંથી નીચે ફેંકી દીધી હતી. આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. એ કેસમાં હવે ૧૦ વર્ષની છોકરીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે કાઉન્સેલિંગ માટે મોકલી છે. એક પોલીસ-ઑફિસરે જણાવ્યું હતું કે ‘જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આ છોકરીને કાઉન્સેલિંગ માટે એક નૉન-પ્રૉફિટ ગ્રુપની દેખરેખ હેઠળ મોકલી છે. અમે કોઈ ગુનો નોંધ્યો નથી અને હવે માત્ર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના નિર્દેશો મુજબ જ આગળની કાર્યવાહી કરીશું.’
દોઢ વર્ષની બાળકી તેનાં માતા-પિતા અને ભાઈ સાથે ગોરેગામના બિલ્ડિંગના છઠ્ઠા માળે રહેતી હતી. બુધવારે રાત્રે તે ઇમારતના કૉમન કોરિડોરમાં એક બિલાડી સાથે રમી રહી હતી. બાદમાં તેનો ભાઈ તેને શોધવા આવ્યો ત્યારે તે ક્યાંય જોવા મળી નહીં. સોસાયટીના રહેવાસીઓને તે ગ્રાઉન્ડ ફ્લોર પર ગંભીર હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે આ કેસની તપાસ દરમ્યાન CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં દેખાયું કે પાડોશમાં રહેતી ૧૦ વર્ષની છોકરીએ નાની બાળકીને ઊંચકીને ડક્ટમાંથી નીચે ફેંકી દીધી હતી. આ ૧૦ વર્ષની બાળકી અને તેનો પરિવાર માત્ર બે અઠવાડિયાં પહેલાં જ આ હાઉસિંગ સોસાયટીમાં રહેવા આવ્યાં હતાં. પોલીસે તેને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરી હતી.
૧૦ વર્ષની બાળકી સ્ટ્રેસમાં કે ગુસ્સામાં હતી? શોષણનો સામનો કરી રહી હતી?
એક ચાઇલ્ડ રાઇટ્સ ઍક્ટિવિસ્ટે કહ્યું હતું કે ‘અહીં એક પરિવારે પોતાનું નાનું બાળક ગુમાવ્યું છે. તેઓ ભારે આઘાતમાં છે અને તેમને સહાનુભૂતિ અને સંભાળની જરૂર છે. બીજી બાજુ જે પરિવારની છોકરી આ ઘટના સાથે સંકળાયેલી છે તેને કાઉન્સેલિંગની જરૂર પડશે. એ જાણવું જરૂરી છે કે શું તે કોઈ તનાવનો, ગુસ્સાનો કે શોષણનો સામનો કરી રહી હતી જેના પરિણામે આવી ઘટના બની. જોકે કાયદો બાળકની અંગત વિગતો ગુપ્ત રાખવાની જોગવાઈ કરે છે. એમ છતાં તેને ફરીથી સમાજમાં સ્થાપિત કરવી એક પડકાર બની શકે છે.’