સરસ દર્શનનો આનંદ દુખમાં ફેરવાઈ ગયો

22 May, 2022 08:53 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

યમુનોત્રીમાં હાઇવે ધસી પડતાં મુંબઈનું ગ્રુપ બાલ-બાલ બચ્યું : દર્શન કર્યા બાદ નીચે આવતી વખતે રાતના સમયે નાનાં વાહનોમાં નીચે ઊતરતા હતા ત્યારે પથ્થર અને ઝાડ પડ્યાં : જોરદાર હવા ફૂંકાતી હોવાથી વાતાવરણ બગડતાં મુશ્કેલીમાં મુકાયા

સરસ દર્શનનો આનંદ દુખમાં ફેરવાઈ ગયો


મુંબઈ : ઉત્તરાખંડમાં આવેલા યમુનોત્રીના હાઇવે પર ૩૬ કલાકમાં બે વખત જમીન ધસી પડવાને લીધે સેંકડો વાહનો અને એમાં બેસેલા બારેક હજાર યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. સ્થાનિક પ્રશાસને બસ સહિતનાં મોટાં વાહનોની અવરજવર બંધ કરી દીધી હોવાથી હજારો યાત્રાળુઓએ શુક્રવારની રાત બસોમાં વિતાવવી પડી હતી. અચાનક આવી પડેલી આ સમસ્યાને લીધે પીવાના પાણી, શૌચાલય અને ભોજનની સમસ્યા ઊભી થઈ હતી. ૧૭ મેએ ચારધામની યાત્રાએ નીકળેલા મુંબઈના ૨૧ શ્રદ્ધાળુઓના ગ્રુપે શુક્રવારે દિવસ દરમ્યાન યમુનોત્રીનાં દર્શન કરી લીધાં હતાં, પણ તેઓ નીચેની તરફ આવી રહ્યા હતા ત્યારે હાઇવે પરની જમીન ધસી જવાથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી અધવચ્ચે અટવાઈ ગયેલા આ શ્રદ્ધાળુઓને ટૂર-ઑપરેટરે જેમ તેમ કરીને નાનાં વાહનોમાં બેસાડીને નીચે ઉતારવાની વ્યવસ્થા કરી હતી. તેઓ નાનાં વાહનોમાં નીચે ઊતરતા હતા ત્યારે તેમના પર પથ્થર અને ઝાડ પડ્યાં હતાં. જોકે સદ્‌નસીબે તેમને કોઈ ગંભીર સમસ્યા નહોતી નડી અને તેઓ હેમખેમ યમુનોત્રીથી નીચે ઊતરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. યમુનોત્રીના નૅશનલ હાઇવે પર શુક્રવારે સવારે રાનાચટ્ટી પાસે ૩૬ કલાકની અંદર બીજી વખત જમીન ધસી પડવાથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આખો દિવસ હાઇવે બંધ રહ્યો હતો.  
મુંબઈથી ૨૧ ગુજરાતી યાત્રાળુઓનું ગ્રુપ ૧૭ મેએ હીના ટૂર્સની ચારધામ યાત્રાના પૅકેજમાં રવાના થયું હતું. આ ગ્રુપે શુક્રવારે દિવસ દરમ્યાન યમુનોત્રીનાં દર્શન કર્યાં હતાં, પરંતુ બાદમાં હાઇવે બંધ થઈ જવાથી તેઓ રસ્તામાં અટવાઈ ગયા હતા. આ ગ્રુપમાં સામેલ અને બોરીવલીના ચીકુવાડીમાં રહેતા મહેશ ધકાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યમુનોત્રીનાં ખૂબ સરસ દર્શન થવાથી અમે ખુશ હતા. જોકે હાઇવે પર જમીન ધસી પડી હોવાની જાણ થયા બાદ અમારો આનંદ નીચે કેવી રીતે પહોંચીશું એની ચિંતામાં બદલાઈ ગયો હતો. અમારી બસ થોડે સુધી નીચે ઊતરી હતી ત્યાં રોકી દેવાઈ હતી. અમારા ટૂર-ઑપરેટરે ક્યાંકથી જીપની વ્યવસ્થા કરીને અમારા ગ્રુપના લોકોને એમાં બેસાડ્યા હતા અને અમે રાતના અંધારામાં નીચે ઊતરવાની શરૂઆત કરી હતી.’
પથ્થર-ઝાડ પડ્યાં
જીપમાં નીચે ઊતરતી વખતે જીવ પડીકે બંધાયો હતો એ વિશે મહેશ ધકાણે કહ્યું હતું કે ‘અમે નાનાં વાહનોમાં નીચેની તરફ રાતના અંધારામાં ઊતરી રહ્યા હતા ત્યારે ઉપરથી પથ્થર અને ઝાડ અચાનક તૂટી પડ્યાં હતાં. ક્યાંક ફરી જમીન તો નથી ધસી પડીને એવી ચિંતામાં અમે બધા જીપની બહાર નીકળી ગયા હતા. જોકે સદ્‌નસીબે પથ્થર નાના હતા અને ઝાડ પણ તોતિંગ નહોતું એટલે અમે બાલ-બાલ બચી ગયા હતા.’
હજારો યાત્રાળુઓ ફસાયા
જમીન ધસી પડવાને લીધે હાઇવે બંધ થઈ જવાથી યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા એમ જણાવીને હીના ટૂર્સના મૅનેજર અશોક ગોસ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક અંદાજ મુજબ બારેક હજાર યાત્રાળુઓ યમુનોત્રીના હાઇવેમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. રાના ચટ્ટીથી ઉપરની તરફ અને નીચેની તરફ સેંકડો બસો ઊભી રહી ગઈ હોવાથી એમાં બેસેલા યાત્રાળુઓએ બસોમાં જ બેસીને રાત વિતાવવી પડી હતી. જમીન ધસી પડવાની સાથે હવામાન પણ ખરાબ થઈ જવાને લીધે અચાનક ઠંડીમાં વધારો થયો હતો. અચાનક રસ્તો બંધ થવાથી તીર્થયાત્રીઓની રહેવા-ખાવાની, સૂવાની, પીવાના પાણીની અને શૌચાલયની સમસ્યા ઊભી થઈ હતી.’
હાઇવે રિપેર થતાં સમય લાગશે
ઉત્તરાખંડ સરકાર અને ચારધામ યાત્રા ટ્રસ્ટ દ્વારા ફસાયેલા યાત્રાળુઓને ઝડપથી નીચે પહોંચાડવા માટે નાનાં વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. પચાસથી સાઠ ટકા યાત્રાળુઓ શનિવારની સાંજ સુધી હેમખેમ નીચે ઊતરી ગયા હતા. બાકીનાને આજે બપોર સુધીમાં પહોંચાડવાનું કામ ચાલી રહ્યું હતું. ધસી પડેલા હાઇવેને રિપેર કરવામાં બેથી ત્રણ દિવસ લાગવાની શક્યતા છે. 

mumbai news mumbai