કાર પર ઍમ્બ્યુલન્સ સાયરન લગાવીને લૉકડાઉનની મશ્કરી

30 March, 2020 12:56 PM IST  |  Mumbai Desk | Faizaan Khan

કાર પર ઍમ્બ્યુલન્સ સાયરન લગાવીને લૉકડાઉનની મશ્કરી

મિત્રો સાથે લૉકડાઉન અને કોરોનાની મજાક ઉડાવતો અલી ઈરાનીનો વિડિયો ગ્રૅબ

માટુંગાની પ્રખ્યાત ઈરાની રેસ્ટોરાંના માલિકને પોતાની ખાનગી કારમાં ગેરકાયદે રીતે ઍમ્બ્યુલન્સનું સાયરન બેસાડીને મશ્કરી કરવા બદલ માટુંગા પોલીસે નજરકેદ કર્યો હતો. રેસ્ટોરાંના માલિકનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ સ્થાનિક પોલીસનું ધ્યાન ગયું હતું. જોકે પોતાની ભૂલ સમજાયા બાદ કૅફેના માલિકે પોલીસ અને સરકારની માફી માગી લેતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

માટુંગા પોલીસે રેસ્ટોરાંના માલિકની ઓળખ અલી ઈરાની તરીકે કરી હતી અને તેની કૂલર ઍન્ડ કંપની નામની રેસ્ટોરાં છે. ઝોનલ ડેપ્યુટી સૌરભ ત્રિપાઠીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘આરોપી લૉકડાઉન દરમ્યાન પોતાની કારમાં ઍમ્બ્યુલન્સનું સાયરન લગાવીને ફરી રહ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. કૅફેના માલિક અલી કૂલર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની ૧૭૧, ૧૮૮ અને ૨૭૯ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો જામીનપાત્ર હોવાથી તેને બાદમાં જામીન પર છોડવામાં આવ્યો હતો.’

અલી ઈરાનીએ પોતાની ભૂલ સમજાયા બાદ પોલીસ અને સરકારની માફી માગી હતી. લોકોને ઘરે રહેવાની અને પોલીસને સહકાર આપવાની વિનંતી પણ તેણે કરી હતી. ‘કોરોના વાઇરસનો સામનો કરવા માટે છેલ્લાં બે અઠવાડિયાંથી સરકાર અને ડૉક્ટરો લોકોને પોતાના ઘરે સલામત રીતે રહેવાની અપીલ કરી રહ્યા છે. મેં જે પણ કર્યું હતું કમનસીબે એ વિડિયો વાઇરલ થયો હતો, જે ખરેખર નિયમોનો ભંગ છે. મને આવું કરીને ખૂબ ખરાબ લાગ્યું હતું અને હું લોકોની માફી માગું છું. મહેરબાની કરીને તમે ઘરે રહો અને સરકારને સહકાર આપો,’એવું ઈરાનીએ લોકોને વિડિયો દ્વારા જણાવ્યું હતું.

mumbai mumbai news faizan khan coronavirus covid19 Crime News