નાલાસોપારાના પોલીસ ટ્રેઇનિંગ સેન્ટરમાં જાતીય શોષણનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો

16 December, 2023 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે રાજ્યનાં બધાં જ સેન્ટરોમાં તપાસ કરવામાં આવશે

દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ : નાલાસોપારામાં આવેલા યશસ્વી ભવ નામના પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રમાં જાતીય શોષણનો મામલો ગઈ કાલે વિધાનસભામાં પણ ગાજ્યો હતો. રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે આરોપી પોલીસો ગેરકાયદે રીતે કેન્દ્રમાં શિક્ષણ આપી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં ‘મિડ-ડે’એ યુવતીઓ સાથે થયેલા બનાવ વિશે સવિસ્તર અહેવાલ આપ્યો હતો. એને કારણે હવે તેમણે રાજ્યનાં તમામ ખાનગી પોલીસ તાલીમ કેન્દ્રોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. 
વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં કામ કરતાં ૨૮ વર્ષના સમાધાન ગાવડે અને ૨૬ વર્ષની અનુજા શિંગાડે નાલાસોપારા ખાતે યશસ્વી ભવ નામનું પોલીસ ભરતી તાલીમ કેન્દ્ર ચલાવતાં હતાં. આ બન્ને પર ટ્રેઇનિંગ સેન્ટરમાં આવતી છોકરીઓનું યૌનશોષણ કરવાનો આરોપ છે. ઑગસ્ટમાં આ મામલો સામે આવ્યો હતો. આ કેસમાં બે યુવતીઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ સમાધાન ગાવડે અને અનુજા શિંગાડે વિરુદ્ધ ‌વિનયભંગ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અને પોક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો તેમ જ બન્નેને રેલવે દ્વારા સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. 
આ પ્રશ્ન ગઈ કાલે વિધાનસભામાં વિધાનસભ્યો આશિષ શેલાર અને રવીન્દ્ર વાયકરે ઉઠાવ્યો હતો. આ ખાનગી પોલીસ તાલીમ કેન્દ્ર વિનાયક પવારના નામથી નોંધાયેલું હતું, પરંતુ રેલવે પોલીસ કર્મચારી સમાધાન ગાવડે એમાં ગેરકાયદે રીતે ‌શિક્ષણ આપતો હતો. ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હાઉસમાં કહ્યું હતું કે તે પોલીસ યુનિફૉર્મમાં જાહેરાત કરતો હતો. એથી મામલાની ગંભીરતાને લીધે અને આ કેન્દ્રોમાં યૌનશોષણ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિને લીધે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યનાં તમામ ખાનગી પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. 
ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી પણ જાહેરાત કરી હતી કે આરોપી પોલીસો દ્વારા જાતીય શોષણનો ભોગ બનેલી યુવતીઓનું વિવિધ સરકારી યોજનાઓ અને માપદંડો અનુસાર પુનર્વસન કરવામાં આવશે.

mumbai news vasai devendra fadnavis maharashtra news