ગણપતિની મૂર્તિનું સમુદ્રમાં વિસજર્ન કરવા પર પ્રતિબંધ નથી મુકાયો

13 August, 2020 01:16 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ગણપતિની મૂર્તિનું સમુદ્રમાં વિસજર્ન કરવા પર પ્રતિબંધ નથી મુકાયો

(ફાઇલ ફોટો)

કોરોનાને કારણે રાજ્ય સરકારે આપેલા નિર્દેશ મુજબ ગણેશોત્સવની ઉજવણી સાદાઈથી, ગિરદી ટાળીને અને જરૂરી સાવચેતી રાખીને કરવાની સૂચના અને અપીલ મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. આમ છતાં ગણેશની મૂર્તિઓને સમુદ્રમાં વિસર્જન કરવા સામે પાલિકાએ પ્રતિબંધ મૂક્યો હોવાની અફવા ફેલાતાં મહાનગરપાલિકાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે આવો કોઈ આદેશ નથી કઢાયો. ઊલટું લોકોને મૂર્તિના વિસર્જનમાં સરળતા રહે એ માટે શહેરભરમાં ૧૬૭ કૃત્રિમ તળાવ તૈયાર કરાયાં છે. ૧૦ દિવસના ગણેશોત્સવની શરૂઆત બાવીસ ઑગસ્ટથી થઈ રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરીને ગણેશ ભક્તો કૃત્રિમ તળાવોમાં મોટી સંખ્યામાં મૂર્તિનું વિસર્જન કરે એવી અપીલ છે. મહાનગરપાલિકા દ્વારા તમામ વૉર્ડની ઑફિસોને ગણેશોત્સવમાં મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવાના નિર્દેશ અપાયા હતા. અત્યાર સુધીમાં આવાં ૧૬૭ કૃત્રિમ તળાવ તૈયાર કરાયાં છે. આ સાથે ભક્તો સમુદ્રમાં પણ મૂર્તિનું વિસર્જન કરી શકશે.
અખબારી યાદીમાં એમ પણ જણાવાયું છે કે સમુદ્રકિનારાથી એકથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં રહેતા ગણેશ ભક્તો તેમની મૂર્તિનું વિસર્જન સમુદ્રમાં કરી શકશે. જે ભક્તો સમુદ્રથી દૂરના વિસ્તારમાં રહે છે તેમણે પોતાના ઘરમાં અથવા ઘરની નજીક તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવું. ગણેશોત્સવ દરમ્યાન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સૅનિટાઇઝરનો ઉપયોગ કરવાની સૌને અપીલ કરવામાં આવી છે.

mumbai mumbai news