HCએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર પાસે પરપ્રાંતીયો માટેની ટ્રેનોની વિગત માગી

16 May, 2020 10:42 AM IST  |  Mumbai Desk | Agencies

HCએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર પાસે પરપ્રાંતીયો માટેની ટ્રેનોની વિગત માગી

મુંબઈ શહેરમાં કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉન વચ્ચે પોતાના વતન પાછા ફરવા ઇચ્છતા પરપ્રાંતીયો ધારાવીમાં બસની રાહ જોઈ રહ્યા છે. તસવીર : પ્રદીપ ધિવાર

મુંબઈ હાઈ કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને એક આદેશ દ્વારા કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનમાં રાજ્યમાં અટવાયેલા પરપ્રાંતીય કામદારો માટે દોડાવવામાં આવી રહેલી વિશેષ ટ્રેનોની વિગત માગી હતી તેમ જ આ ટ્રેનો ક્યાં સુધી દોડાવાશે એની પણ વિગત માગી હતી. 

હાઈ કોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ એ. આર બોરકરે આ વિશેષ ટ્રેનમાં પ્રવાસ કરનારા લોકોનો ખર્ચ કોણ ઉઠાવશે એ વિશે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો છે.
કોર્ટ પોતાના વતન પાછા ફરવા માટે પગપાળા જ નીકળી પડેલા પરપ્રાંતીય કામદારો, દહાડી મજૂરો અને રાજ્યમાં ફસાયેલા અન્ય લોકોની હાલાકીને જાતે સંજ્ઞાનમાં લઈ સુઓ-મોટો પિટિશનની સુનાવણી કરી રહી હતી.
કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા ઍડ્વોકેટ દેવેન ચવાણે ગઈ કાલે કોર્ટને જણાવ્યું હતું કે ‘રેલવે દ્વારા ચલાવવામાં આવતી વિશેષ ટ્રેનો ફક્ત ૧૭ મે સુધી જ છે, જેને પગલે કોર્ટે રેલવેને દેશના વિવિધ ભાગોમાંથી દોડતી વિશેષ ટ્રેનોની વિગતો સબમિટ કરતું ઍફિડેવિટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ન્યાયાધીશ બોરકરે જણાવ્યું હતું કે ઍફિડેવિટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવશે કે સ્થળાંતર કરનારાઓ અને અન્ય ફસાયેલા લોકોને વિશેષ ટ્રેનો દ્વારા કઈ તારીખ સુધીમાં તેમના વતનના રાજ્યમાં પાછા લાવવામાં આવશે.
૮ મેએ બીજી અરજીની સુનાવણી કરતી વખતે અદાલતને જણાવવામાં આવ્યું હતું કે બૉમ્બે હાઈ કોર્ટની મુખ્ય બેન્ચે એના આદેશમાં નોંધ્યું હતું કે ટિકિટભાડું કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લેશે. આ ખર્ચ માટે રાજ્ય સરકારે ૫૭ કરોડ રૂપિયા જાહેર કર્યા હોવાનું સરકારી વકીલે કોર્ટને જણાવતાં કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને એમનાં સોગંદનામાંમાં આ વિગતો સામેલ કરવાનો આદેશ આપતાં મામલાની આગામી સુનાવણી ૧૯ મેએ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

maharashtra mumbai mumbai news