અગ્નિદાહ દીધા બાદ ગૅસના અભાવે અર્ધજ્વલિત મૃતદેહ ૭૨ કલાક ચિતા પર પડ્યો રહ્યો

09 September, 2021 06:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શૉકિંગ કિસ્સો છે મીરા-ભાઈંદરના સ્મશાનનો, જ્યાં અચાનક ગૅસ ખતમ થઈ જવાથી મૃતદેહનો કેટલોક અંશ અગ્નિના અભાવે બળવાનો રહી ગયો હતો

અગ્નિદાહ દીધા બાદ ગૅસના અભાવે અર્ધજ્વલિત મૃતદેહ ૭૨ કલાક ચિતા પર પડ્યો રહ્યો

માણસ જીવતો હોય ત્યારે કેટલીક સુવિધાઓ ન મળે તો ચાલે, પણ મૃત્યુ થયા બાદ યોગ્ય રીતે અંતિમક્રિયાની અપેક્ષા તો હોય જ છે. જોકે મીરા-ભાઈંદરમાં મૃત્યુ બાદ પણ શાંતિ ન મળતી હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. ભાઈંદરના સ્મશાનમાં અંતિમક્રિયા માટે લવાયેલો મૃતદેહ રેઢિયાળ કારભારને કારણે ૭૨ કલાક સુધી અગ્નિના અભાવે ગૅસની ચિતા પર પડી રહ્યો હતો.
ભાઈંદરમાં રહેતી એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ મૃતદેહની અંતિમક્રિયા માટે ભાઈંદર (વેસ્ટ)માં મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલની બાજુમાં આવેલા સ્મશાનમાં મંગળવારે લાવવામાં આવ્યો હતો. મૃતકનો પરિવાર પર્યાવરણપ્રેમી હોવાથી તેમણે અંતિમ સંસ્કાર લાકડાંને બદલે ગૅસથી ચાલતી ચિતામાં કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે આ પરિવારને ક્યાં ખબર હતી કે તેમણે મૃતદેહની અંતિમક્રિયા થવામાં ૭૨ કલાક રાહ જોવી પડશે. મૃતદેહને ગૅસથી ચાલતી ચિતામાં મૂક્યા બાદ અચાનક ગૅસ ખતમ થઈ જવાથી મૃતદેહનો કેટલોક અંશ અગ્નિના અભાવે બળવાનો રહી ગયો હતો. સામાન્ય રીતે ગણતરીની મિનિટમાં ગૅસની વ્યવસ્થા થઈ જાય છે, પરંતુ બે દિવસ બાદ ગૅસની વ્યવસ્થા થઈ હતી. આથી મૃતદેહ આટલા સમય સુધી એમ ને એમ પડી રહ્યો હતો.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં તમામ સ્મશાનનો કારભાર સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા કરાય છે. આ વિભાગના ઇન્ચાર્જ દીપક ખાંબિત છે. તેમની તથા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલે સાથે ‘મિડ-ડે’એ આ સમસ્યા બાબતે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.
જોકે મહાનગરપાલિકાના એક અધિકારીએ આ ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્મશાનમાં ગૅસ સપ્લાય કરવાનો કૉન્ટ્રૅક્ટ એક કંપનીને આપવામાં આવ્યો છે જે પૂરો થઈ ગયો છે. એને લીધે ગૅસનાં સિલિન્ડર ઉપલબ્ધ નહોતાં કરાયાં. ભવિષ્યમાં આવું ન થાય એ માટે કોઈક રીતે ગૅસનાં સિલિન્ડર રિફીલ કરી દેવાયાં છે. આગામી થોડા સમયમાં પાઇપ્ડ ગૅસનું કનેક્શન કરી દેવાયા બાદ આવી મુશ્કેલી નહીં આવે.’
એક મૃતદેહની અંતિમક્રિયા સળગાવીને કરાય તો ૩૦૦થી ૩૫૦ કિલો લાકડાંની જરૂર પડે. એની સામે એલપીજી ગૅસના માત્ર એક સિલિન્ડરમાં પર્યાવરણને જરાય નુકસાન કર્યા વિના અંતિમક્રિયા થઈ શકે છે. પાલિકા પ્રશાસને આ સિસ્ટમને પ્રોત્સાહન મળે એ માટેના પ્રયાસ કરવા જોઈએ એની જગ્યાએ રેઢિયાળ કારભાર ચાલી રહ્યો હોવાની આ ઘટના સામે આવી છે.

Mumbai mumbai news mira road bhayander