ગુજરાતી મહિલાએ કંપનીના ૪૮ લાખ રૂપિયા પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા

21 September, 2022 09:46 AM IST  |  Mumbai | Mehul Jethva

નરીમાન પૉઇન્ટની ઇન્ડિયન કૉમોડિટીઝ કંપનીમાં ૧૧ વર્ષથી કામ કરતી ગુજરાતી મહિલાએ કંપનીના ૪૮ લાખ રૂપિયા કંપનીના ઓનરની જાણ બહાર પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા હતા.

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : નરીમાન પૉઇન્ટની ઇન્ડિયન કૉમોડિટીઝ કંપનીમાં ૧૧ વર્ષથી કામ કરતી ગુજરાતી મહિલાએ કંપનીના ૪૮ લાખ રૂપિયા કંપનીના ઓનરની જાણ બહાર પોતાના અકાઉન્ટમાં સેરવી લીધા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ જ કંપનીમાં કામ કરતા એક યુવાનને અકાઉન્ટ્સમાં શંકા જતાં કંપનીના ઓનરને આ માહિતી આપી હતી. ત્યાર બાદ છેલ્લાં બે વર્ષની તમામ માહિતી કાઢવામાં આવી હતી, જેમાં કુલ ૪૮ લાખ ૬૬ હજાર રૂપિયા બૅન્ક-અકાઉન્ટમાંથી સેરવી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. 
નરીમાન પૉઇન્ટ પર તુલસિયાની ચેમ્બર્સમાં આવેલી ઇન્ડિયન કૉમોડિટીઝ કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીએ કરેલી ફરિયાદ અનુસાર આલોક શેખસરિયા અને વિદ્યા શેખસરિયા કંપનીનાં મૅનેજિંગ ડિરેક્ટર છે. આ કંપનીની દેશભરમાં વિવિધ શાખાઓ અને ગોડાઉનોમાં અંદાજે ૧૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. ઑક્ટોબર ૨૦૧૧થી વૈશાલી વિપુલ કોટક અકાઉન્ટ્સ વિભાગમાં સિનિયર મૅનેજરની પોસ્ટ પર કાર્યરત છે. તે કંપનીના કર્મચારીઓના પગાર અને ખર્ચ વગેરેનાં બિલો તૈયાર કરવાં અને કંપનીની તમામ નાણાકીય બાબતો પણ જોતી હતી. પગારની ચુકવણી, કર્મચારીઓના ખર્ચની ચુકવણી અને કંપનીનાં તમામ બૅન્ક-ખાતાંઓનું નેટ બૅ​ન્કિંગ વગેરે તેના હાથમાં હતું. માર્ચ ૨૦૧૧ના છેલ્લા અઠવાડિયામાં અકાઉન્ટિંગ વિભાગમાં કાર્યરત ચેતન ઝીમનને કેટલાંક શંકાસ્પદ બિલો મળી આવ્યાં હતાં. ત્યાર બાદ ચાર્ટર્ડ અકાઉન્ટ ફર્મ ફિરોદિયા બાફના ઍન્ડ અસોસિએટ્સ દ્વારા કંપનીનું ઑડિટ કરવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે વૈશાલીએ કંપનીમાંથી કુલ ૪૮,૬૬,૫૨૭ રૂપિયાની ઉચાપત કરી છે. તેની વિરુદ્ધ કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કફ પરેડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદેશ રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસની તમામ તપાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે. હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai news mumbai