સરકારે ભલે બૂસ્ટરનો ભાવ ૨૨૫ રૂપિયા કર્યો, પણ અત્યારે તો તમારે એ જૂના ભાવે જ લેવો પડશે

13 April, 2022 07:57 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

એનું કારણ છે કે અત્યારે એક પણ પ્રાઇવેટ હૉસ્પિટલે નવો સ્ટૉક મગાવ્યો ન હોવાથી જૂના સ્ટૉક પ્રમાણે જ લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે

સરકારે ભલે બૂસ્ટરનો ભાવ ૨૨૫ રૂપિયા કર્યો,

મુંબઈ ઃ સરકારે ૧૮ વર્ષની ઉપરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કર્યા બાદ વૅક્સિન બનાવતી બન્ને કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા ભારત બાયોટેકે કોવૅક્સિન અને કોવિશીલ્ડના એક ડોઝનો ભાવ ૨૨૫ રૂપિયા રાખ્યો છે, જેમાં પ્રાઇવેટ હૉસ્પિટલોને વધુમાં વધુ ૧૫૦ રૂપિયા સર્વિસ-ચાર્જ લેવાની છૂટ આપી છે. એ સાંભળીને લોકો ખુશ થઈ ગયા હતા અને તેમને લાગ્યું કે હવે તેમણે કોવૅક્સિનના એક ડોઝના ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા અને કોવિશીલ્ડના ૭૦૦થી ૯૦૦ રૂપિયાને બદલે ૨૨૫ પ્લસ સર્વિસ-ચાર્જ જ ચૂકવવા પડશે, પણ નોંધનીય છે કે હાલમાં મુંબઈની કોઈ પ્રાઇવેટ હૉસ્પિટલે બન્ને કંપનીઓને નવા સ્ટૉક માટે ઑર્ડર આપ્યા નથી અને આ જ કારણસર તેમની પાસે જૂનો સ્ટૉક હોવાથી બૂસ્ટર લેનાર વ્યક્તિએ જૂના ભાવ પ્રમાણે જ પૈસા આપવા પડશે. 
મુંબઈગરાઓને પહેલો અને બીજો ડોઝ ઑલમોસ્ટ અપાઈ ગયો છે એથી બૂસ્ટર ડોઝ પહેલાં હેલ્થ વર્કર અને સિનિયર સિટિઝનને આપવાની જાહેરાત થઈ હતી. પ્રાઇવેટ હૉસ્પિટલ કોઈ રિસ્ક લેવા માગતી ન હોવાથી હાલમાં ફ્રેશ સ્ટૉક લેવાની તૈયારી એણે ઓછી દેખાડી છે. મોટા ભાગની પ્રાઇવેટ હૉસ્પિટલ પાસે પોતાનો જૂનો ડોઝ હોવાથી પહેલાં એ પૂરો કરશે અને ત્યાર બાદ જ નવો સ્ટૉક લેશે એવું જોવા મળ્યું છે.
આ વિશે બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રાઇવેટ હૉસ્પિટલમાં રહેલા દરેક વૅક્સિનના સ્ટૉકની માહિતી તંત્ર પાસે હોય છે. પ્રાઇવેટ હૉસ્પિટલમાં રહેલા સ્ટૉકની પ્રત્યેક માહિતી કોવિન પોર્ટલ પર તેના બૅચ સાથે અપલોડ કરવાની હોય છે. સ્ટૉક ક્યારે, ક્યાંથી અને કેટલો ખરીદ્યો, એનો ચાર્જ કેટલો છે જેવી તમામ ઝીણવટભરી માહિતી એમાં અપલોડ થાય છે. હાલમાં પ્રાઇવેટ હૉસ્પિટલ પાસે તેમનો જૂનો સ્ટૉક હોવાથી એના ભાવ પર મૉનિટરની વાત આવતી નથી. નવો સ્ટૉક લેવાશે ત્યારે એના પર ધ્યાન આપવામાં આવશે.’

mumbai news covid vaccine