સરકારે જીએસટી ભરવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી

25 October, 2020 12:05 PM IST  |  Mumbai | Mumbai correspondent

સરકારે જીએસટી ભરવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી

સરકારે જીએસટી ભરવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી

જીએસટી કાઉન્સિલ અને સરકારના નાણામંત્રાલય તરફથી ગઈ કાલે જીએસટી ભરવાની મુદતમાં વેપારીઓને મોટી રાહત અપાઈ હતી. સરકારે ગઈ કાલે પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશનમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ની જીએસટી ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઑક્ટોબરથી લંબાવીને ૩૧ ડિસેમ્બર સુધી કરી છે. સરકારના આ નિર્ણયથી ધ ગુડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ પ્રૅક્ટિશનર્સ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર અને ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રને તેમની આ મુદ્દે ચાલી રહેલી લડતમાં જીત મળી છે.
કોરાનાને કારણે સાત મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનમાં નાના દુકાનદારો અને વેપારીઓની આર્થિક હાલત હલબલી ગઈ છે. એમાં લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની ઇમર્જન્સી સિવાયના કોઈ સ્ટાફને મંજૂરી ન હોવાથી વેપારીઓએ ઑફિસ શરૂ કર્યા પછી પણ તેમના અકાઉન્ટન્ટ અને અન્ય સ્ટાફ ઑફિસમાં હાજર રહેતો નથી. આવી જ હાલત જીએસટી પ્રૅક્ટિશનર્સની ઑફિસોની ચાલી રહી છે. આ કારણે જીએસટી પ્રૅક્ટિશનર્સ અસોસિએશનને જીએસટી ભરવાની મુદત ૩૧ ઑક્ટોબર ૨૦૨૦ને વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી કરવા માટે મુંબઈ હાઈ કોટમાં રિટ પિટિશન ફાઇલ કરી હતી. હાઈ કોર્ટે જીએસટી કાઉન્સિલને આ સંદર્ભમાં ૨૭ ઑક્ટોબર સુધીમાં તેમનો જવાબ આપવા જણાવ્યું છે.
જોકે સરકારે મંગળવારે રિટ ફિટિશન સામે જવાબ આપતાં પહેલાં જ ગઈ કાલે વેપારીઓની જીએસટી રિટર્ન ભરવા માટેની મુદત બે મહિના માટે વધારી આપી હતી. જીએસટી પ્રૅક્ટિશનર્સ અસોસિએશનના પ્રમુખ રાજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને કોર્ટમાં જવામાં કોઈ રસ નહોતો, પરંતુ અમારી મુદત વધારી આપવાની અનેક વિનંતિનો નાણાં મંત્રાલય કોઈ જ રિસ્પૉન્સ આપતું ન હોવાથી કોર્ટમાં જવું પડ્યું. આજ રીતે સરકાર ૨૦૧૯-’૨૦ના નાણાકીય વર્ષ માટે પણ વહેલી તકે યોગ્ય નિર્ણય લે એવી અમે આશા રાખીએ છીએ.’
જીએસટી પ્રૅક્ટિશનર્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ આલોક મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે એ સમય આવી ગયો છે જ્યારે જીએસટી કાઉન્સિલે જીએસટી પ્રૅક્ટિશનર્સ સાથે બેસીને જીએસટી બાબતના નિર્ણયો લેવા જોઈએ, જેનાથી વેપારીઓ અને પ્રૅક્ટિશનર્સ બન્ને વચ્ચે સમન્વય સારી રીતે થઈ શકે.’

આઇટી રિટર્ન ૩૧ ડિસેમ્બર સુધી ભરી શકાશે
વ્યક્તિગત કરદાતાઓ માટે ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ સરકારે લંબાવીને ૩૧ ડિસેમ્બર કરી નાખી છે. નાણાં મંત્રાલય દ્વારા ગઈ કાલે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું હતું કે ‘જે કરદાતાઓના અકાઉન્ટનું ઑડિટ કરવાનું છે તેમના માટે ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારીને ૩૧ ડિસેમ્બર કરવામાં આવી છે. સરકારે કરદાતાઓને રાહત આપવા માટે આ પહેલાં ૨૦૧૯-’૨૦ના રિટર્ન ફાઇલ કરવા માટેની સમયમર્યાદા ૩૧ જુલાઈથી વધારીને ૩૦ નવેમ્બર કરી દીધી હતી. જોકે હવે નવી જાહેરાત પ્રમાણે વ્યક્તિગત રિટર્ન ભરતા કરદાતાઓ માટે આ સમયમર્યાદા લંબાવીને ૩૧ ડિસેમ્બર કરવામાં આવી છે. 

mumbai mumbai news