સુધરાઈના સ્ટાફે જ શિવાજી પાર્કમાં બાળ ઠાકરેની કામચલાઉ સમાધિને હટાવવાની માહિતી લીક કરી

12 December, 2012 06:15 AM IST  | 

સુધરાઈના સ્ટાફે જ શિવાજી પાર્કમાં બાળ ઠાકરેની કામચલાઉ સમાધિને હટાવવાની માહિતી લીક કરી



શિવાજી પાર્કમાંથી કામચલાઉ સમાધિ હટાવવા માટે સોમવારે રાતે સાડાનવ વાગ્યાની આસપાસ સુધરાઈની એલ્ફિન્સ્ટન રોડ પર આવેલી જી-સાઉથ વૉર્ડ-ઑફિસની સાથે જ વરલી ગૅરેજમાંથી ટ્રક અને ડમ્પર નીકળવાની તૈયારીમાં જ હતાં અને તેમનો પ્લાન ૧૫થી ૨૦ શિવસૈનિકોએ ત્યાં પહોંચીને ઑફિસમાં તોડફોડ કરવાની સાથે ટ્રકને નુકસાન કરીને ચોપટ કરી નાખ્યો હતો. આ ઘટનાને પગલે  સુધરાઈએ વરલી પોલીસ-સ્ટેશનમાં અજાણ્યા માણસો સામે તોડફોડ અને મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે પાંચ જણની અટક કરી હતી.

સુધરાઈના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર એસ. જી. ચિતલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ અમે વરલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કોઈ કર્મચારીને ઈજા થઈ નહોતી, પણ અમારી નવ ગાડીઓ નુકસાન થયું હતું.’

સુધરાઈના કર્મચારીઓ શિવાજી પાર્કમાં બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ હટાવવા જવાના હોવાનો કોઈ પ્લાન હતો કે કેમ એવો સવાલ મેયર સુનીલ પ્રભુને કરવામાં આવતાં મને આવા કોઈ પ્લાનની જાણ ન હોવાનું તેમણે કહ્યું હતું. આ ગ્રાઉન્ડ પર બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર કરવા માટેની મંજૂરી મેયર સુનીલ પ્રભુએ માગી હોવાથી ગ્રાઉન્ડ ખાલી કરવામાં આવ્યું ન હોવાને પગલે તેમને સુધરાઈએ નોટિસ આપી છે જેનો જવાબ હજી સુધી તેમણે આપ્યો નથી. આ બાબતે પૂછવામાં આવતાં તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.

એફઆઇઆર = ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ