જામીન પરથી નાસી છૂટેલો ગુનેગાર ૩૫ વર્ષ બાદ ઝડપાયો

28 July, 2021 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીને સોમવારે અદાલત સમક્ષ હાજર કરાયો હતો, જ્યાં તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

પ્રતીકાત્મક તસવીર

૧૯૮૬માં એક મર્ડરકેસમાં જામીનમાંથી નાસી છૂટેલા એક વૉન્ટેડ ગુનેગારને ટ્રૉમ્બે પોલીસે ૩૫ વર્ષ બાદ દક્ષિણ મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી લીધો હતો. આરોપી પ્રકાશ મુરારીલાલ રતન ઉર્ફે પક્યા (૫૯ વર્ષ) હવે ફૂલહાર વેચીને આજીવિકા રળે છે. તે કફ પરેડની ઝૂંપડપટ્ટીમાં છેલ્લાં ૨૦ વર્ષથી ઓળખ બદલીને તેના પુત્ર સાથે રહેતો હતો.
પક્યાએ જૂની અદાવતને પગલે ૧૯૮૪માં માનખુર્દ-શિવાજીનગર વિસ્તારમાં એક ગુંડાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. તેની ધરપકડ થઈ હતી, પણ ૧૯૮૬માં તે જામીન પર છૂટી ગયો હતો. જોકે તે કદી અદાલત સમક્ષ સુનાવણી માટે હાજર થયો નહીં, જેને પગલે તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી થયું હતું. આરોપીને સોમવારે અદાલત સમક્ષ હાજર કરાયો હતો, જ્યાં તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

Mumbai Mumbai news